નીટની પરીક્ષાના પેપર લીકના મામલે વડોદરાના સયાજીગંજ વિસ્તારના ડેરીડેન સર્કલ પાસે યુથ કોંગ્રેસે ધરણા કર્યા હતા.
યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ નીટની પરીક્ષામાં થયેલા છબરડાં અને પેપર લીકના મામલે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત, નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. આજે યુથ કોંગ્રેસના ધરણામાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈ પણ જોડાયું હતુ. ડેરીડેન સર્કલ પર કોંગ્રેસના સૂત્રોચ્ચારથી ઉત્તેજના વ્યાપી ગઈ હતી. કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વીજ જોશીએ જણાવ્યુ હતુ કે, નીટની પરીક્ષામાં પેપર ફુટવાનો મામલો નવો નથી. આ પહેલા દેશમાં અનેક પરીક્ષાઓમાં પેપર ફુટ્યા છે. મહત્વની વાત તો એ છે કે, દેશમાં પેપર ફુટવાના મામલાના તાર ગુજરાત સાથે જોડાયેલા હોય છે. નીટની પરીક્ષામાં પેપર લીકના મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે ગઈકાલે ગોધરામાં તપાસ કરી હતી. દેશભરમાં ક્યારેય કોઈ પેપર લીક થાય એટલે એના તાર ગુજરાત સાથે જોડાયેલા હોય છે. તે જ શંકા ઉપજાવે તેવી વાત છે. આપણી સરકાર ગુજરાત મોડલની વાત કરે છે.
તો શું ગુજરાત મોડલ આવુ હોય. હાલમાં ગુજરાત મોડલ એટલે પેપર લીક અને પેપર લીક એટલે ગુજરાત મોડલ એવુ આખાય દેશમાં ચર્ચાઈ રહ્યુ છે. આવા સંજોગોમાં દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામુ આપી દેવુ જોઈએ. નીટ પેપર લીક કેસમાં આખાય દેશમાં ઉહાપોહ મચી રહ્યો છે ત્યારે સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. યુથ કોંગ્રેસના કાર્યકરે જણાવ્યુ હતુ કે, કોઈપણ પરીક્ષાનું પેપર ફુટે એટલે વિદ્યાર્થીઓ પર એની વિપરીત અસર થતી હોય છે. છેલ્લા સાત વર્ષમાં દેશમાં 70 વધારે પેપર લીકના કેસ બન્યા છે. જેનો મતલબ એ છે કે, સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતીત નથી. આવી સરકારને દેશ ચલાવવાનો કોઈ અધિકાર નથી. અને ખાસ કરીને શિક્ષણ મંત્રીને તો તેમના પદ ઉપર રહેવાનો અધિકાર નથી. આવા શિક્ષણ મંત્રીએ તાત્કાલિક ધોરણે રાજીનામુ આપી દેવુ જોઈએ. સયાજીગંજ વિસ્તારના ડેરીડેન સર્કલ પાસે યોજાયેલા કોંગ્રેસના ધરણામાં અનેક યુવાનો જોડાયા હતા. શહેર કોંગ્રેસની સાથેસાથે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ પણ આ ધરણા પ્રદર્શનમાં જોડાયુ હતુ. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાતા પોલીસ બંદોબસ્ત પણ ઉભો કરવામાં આવ્યો હતો.
Reporter: News Plus