પટના : બિહાર વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. આગામી 14મી નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે. જોકે તે પહેલા આજે વિવિધ એજન્સીઓએ વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDAની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં સૌથી મોટો પક્ષ બને તેવા અણસાર છે. સાથે સાથે નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડને પણ આ વખતે 60થી 80 બેઠકો મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે. જો તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાની સરેરાશ કાઢીએ તો NDAને 146, મહાગઠબંધનને 90 બેઠકો મળે તેવું અનુમાન છે. જ્યારે પ્રશાંત કિશોરની જન સુરાજ માત્ર શૂન્યથી બે બેઠકોમાં સમેટાઈ શકે છે.
અન્યના ખાતામાં પાંચ જેટલી બેઠકો જઈ શકે છે. બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67 ટકાથી વધુ મતદાન થયું. બિહારના મતદારોએ મોટી સંખ્યામાં વોટિંગ કરી રૅકોર્ડ બનાવ્યો. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે.
Reporter: admin







