મુંબઈઃ એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવારની તબિયત લથડી હોવાના સમાચાર છે.
84 વર્ષીય શરદ પવારની તબિયત સારી ન હોવાથી તેમના આગામી ચાર દિવસના તમામ રાજકીય અને સામાજીક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે પુણે ખાતેની વસંતદાદા સુગર ઈન્સ્ટિટયૂટ ખાતે એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. અહીં તેમને ભાષણ દરમિયાન ખૂબ જ ઉધરસ આવતી હતી અને તેમને બોલવામાં તકલીફ પડતી હતી. સતત ઉધરસને લીધે તેમને તકલીફ થતી હોવાથી તેમના ચાર દિવસના જાહેર કાર્યક્રમો રદ થયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં શરદ પવારની તબિયત અસ્વસ્થ હોવાને લીધે તેમના કાર્યક્રમો રદ થયા હોવાની ખબરો વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. તેમની તબિયતને લીધે કાર્યક્રમો રદ થયા છે કે પછી રાજ્યની રાજકારણમાં ફરી કોઈ ઉથલપાથળ થવાની છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પુણેના કાર્યક્રમો દરમિયાન શરદ પવાર અને મહાયુતીના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે બે વર્ષ બાદ બંધ બારણે ચર્ચા થઈ હતી. જોકે જાહેર કાર્યક્રમમાં અજિત પવારે કાકાથી અંતર રાખ્યું હતું.અગાઉ પણ શરદ પવારનો પક્ષ એનડીએમાં સામેલ થતો હોવાની અટકળો સતત થતી રહે છે. માત્ર પવાર જ નહીં, મહાવિકાસ અઘાડીનો બીજો પક્ષ શિવસેના (યુબીટી) પણ દિલ્હીની ભાજપની નેતાગીરીનાં સંપર્કમાં હોવાની માહિતી મળી છે.
Reporter: admin