News Portal...

Breaking News :

ડોક્ટર યુવતી અને એનઆરઆઇ માતાની કરપીણ હત્યા : ૧૪ દિવસ બાદ નુપૂરનાં લગ્ન NRI યુવક સાથે થવાના હતા

2025-02-18 10:13:37
ડોક્ટર યુવતી અને એનઆરઆઇ માતાની કરપીણ હત્યા : ૧૪ દિવસ બાદ નુપૂરનાં લગ્ન NRI યુવક સાથે થવાના હતા


ગાંધીનગર:  સેક્ટર-૬ના વૈભવી બંગલામાં રહેતી ડોક્ટર યુવતી અને એનઆરઆઇ માતાની કરપીણ હત્યાથી સનસનાટી મચી ગઈ છે. 


અમેરિકામાં રહેતાં મધુબહેન ત્રિવેદી ૨૮ વર્ષીય ડોક્ટર પુત્રી નુપૂરનાં લગ્નની તૈયારી માટે આવ્યાં હતાં, પરંતુ ગુરુવારે સવારે અત્યંત ક્રૂરતાપૂર્વક રહેંસી નખાયેલી બંનેની લોહીથી ખરડાયેલી લાશ મળી આવતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બંગલાના બંને માળે સરસામાન વેરવિખેર છે, પરંતુ મધુબહેનની બંગડીઓ અને કાનની બુટ્ટી સહી સલામત છે. તદ્ઉપરાંત નુપૂર બંગલામાં એકલી જ રહેતી હતી અને લગ્નના ગણતરીના દિવસ પૂર્વે જ તેની હત્યા થતાં પોલીસ અન્ય કારણોની પણ તપાસ કરી રહી છે. બીજી બાજુ મહત્વની કડીરૂપે પોલીસને બે મોબાઇલ ફોન મળ્યા છે. આ ફોન કોના છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.ઘટનાની હકીકત એવી છે કે માર્ગ અને મકાન વિભાગમાં ઇજનેર તરીકે નોકરી કરતા શિવશંકર ત્રિવેદી, પુત્ર અંકિત અને પત્ની મધુબહેન નવ વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયાં હતાં, જ્યારે તેમની એમબીબીએસ પુત્રી નુપૂર સેક્ટર-૬ના સી-પ્લોટમાં આવેલા બે માળના બંગલામાં એકલી જ રહેતી હતી. 


૧૪ દિવસ બાદ નુપૂરનાં લગ્ન એનઆરઆઇ યુવક સાથે હોવાથી માતા મધુબહેન દોઢ મહિના પહેલાં તૈયારી કરવા આવ્યાં હતાં.ગુરુવારે સવારે કામવાળી બાઈ આવી ત્યારે રાબેતા મુજબ બંધ રહેતી બંગલાની જાળી ખુલ્લી જોઈને ચોંકી ઊઠી હતી. તે ઉપરના માળે પેસેજમાં ડગ માંડતાં જ લોહીના ખાબોચિયામાં પડેલી મધુબહેનની લાશ જોઈને ગભરાઈ ગઈ હતી. તેણે બૂમાબૂમ કરતાં પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી. શરૂઆતમાં તો પોલીસ માત્ર મધુબહેનની હત્યા થઈ હોવાનું સમજી હતી, પરંતુ જ્યારે તેમણે બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં તપાસ કરી ત્યારે તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકાયેલી હાલતમાં પલંગમાં પડેલી નુપૂરની લાશ જોઈને તેમના હોશ ઊડી ગયા હતા.માતા-પુત્રીની લાશનું નિરીક્ષણ કરતાં જણાયું હતું કે, હત્યારાઓએ અત્યંત નિર્દયતાપૂર્વક સંખ્યાબંધ ઘા ઝીંકી મધુબહેનનું ગળું લગભગ કાપી જ નાખ્યું હતું. એટલું જ નહીં મધુબહેન બૂમાબૂમ ન કરે તે માટે હત્યારાઓએ તેમનું મોં ગોદડીથી દબાવી દીધું હતું.બીજી બાજુ નુપૂરના ગળા ઉપરાંત પેટના ભાગે સંખ્યાબંધ ઘા ઝીંકવામાં આવ્યા હોવાથી તેનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં. પોલીસનું કહેવું છે કે, આટલી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હોવા છતાં નુપૂરના માથે ચશ્માં એમનાં એમ જ છે. ઘરમાંથી લોહીવાળું કપડું કે પછી બાથરૂમમાં હત્યારાઓએ લોહીના ડાઘા સાફ કર્યા હોય તેવાં કોઈ ચિહ્ન જણાતાં નથી. ઇન્સપેક્ટર એ.એમ. પરમારનું કહેવું છે કે, સરસામાન વેરવિખેર પડ્યો છે પણ ઘરમાં રહેતી બંને વ્યક્તિઓની હત્યા થઈ હોવાથી શું ચોરાયું છે તેની વિગતો મળી શકી નથી.

Reporter: admin

Related Post