આજવા–નિમેટા ફીડર લાઇન જોડાણ કામે શહેરનો પાણી પુરવઠો ૪૮ કલાક બંધ....
નવી ૧૫૨૪ મીમી નળિકાનું જોડાણ, નાગરિકોને પાણી સંગ્રહ રાખવા પાલિકાની અપીલ...
પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આજવા સરોવરથી નિમેટા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ સુધી આવેલી જૂની ૭૫૦ મીમી ડાયાની CI નળિકાનું કામ પૂર્ણ કરી, તેના સ્થાને ૧૫૨૪ મીમી ડાયાની 3LPE MS ફીડર નળિકા બેસાડવામાં આવી છે. નવી ફીડર લાઇનને મેનીફોલ્ડ સાથે જોડાણ કરી પ્રણાલીને કાર્યરત કરવા માટે તા. ૨૫ નવેમ્બરથી ૪૮ કલાક સુધીનું શટડાઉન રાખવામાં આવશે.આ કામગીરી દરમિયાન આજવા સરોવરમાંથી પુરવઠો બંધ રાખવાની આવશ્યકતા હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ઠપ રહેશે.
પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, બાપોદ, કપુરાઈ, સયાજીપુરા સહિત સંખેડા દશાલાડ, મહેશનગર, સોમાતળાવ, દંતેશ્વર, મહાનગર અને નંદધામ જેવા ઓનલાઈન બુસ્ટર વિસ્તારોમાં તા. ૨૫ નવેમ્બરની સાંજે તથા તા. ૨૬ નવેમ્બરના સવાર અને સાંજના સમય સહિત તા. ૨૭ નવેમ્બરની સવારના સમયગાળામાં પાણી પૂરવઠો બંધ રહેશે.ઉપરોક્ત દિવસોમાં આજવા અને લાલબાગ ટાંકીઓમાંથી મર્યાદિત પાણી વિતરણ કાપથી કરવામાં આવશે. તા. ૨७ નવેમ્બરની સાંજથી તમામ ટાંકી તેમજ બુસ્ટર વિસ્તારોમાં ઓછા પ્રેશર સાથે મર્યાદિત સમય માટે પાણી પુરવઠો પુનઃ શરૂ થશે.મહાનગરપાલિકા નાગરિકોને આવશ્યક પાણીનો સંગ્રહ કરી કરકસરપૂર્વક વપરાશ કરવા તેમજ શહેરના પાણી પુરવઠા સુધારણા માટે હાથ ધરાયેલી કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરી છે.
Reporter: admin







