News Portal...

Breaking News :

MPCG પોલો ક્લબ દ્વારા જમીન વિવાદ મુદ્દે સર્વે નં. 1 ની સરકારી જમીન પર વિકાસના કામો સામે ઉઠાવ્યા સવાલ

2026-04-12 14:17:37
MPCG પોલો ક્લબ દ્વારા જમીન વિવાદ મુદ્દે સર્વે નં. 1 ની સરકારી જમીન પર વિકાસના કામો સામે ઉઠાવ્યા સવાલ

MPCG પોલો ક્લબ દ્વારા જમીન વિવાદ મુદ્દે પ્રેસ નોટ જાહેર, સર્વે નં. 1 ની સરકારી જમીન પર વિકાસના કામો સામે ઉઠાવ્યા સવાલ



વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જાણીતી MPCG પોલો ક્લબ (મહારાજા પ્રતાપસિંહ કોરોનેશન જીમખાના) દ્વારા જમીન અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે એક સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. જેમાં ક્લબની માલિકીની અને લીઝ પરની જમીન પર થઈ રહેલા વિકાસના કામો સામે ગંભીર વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. રાજમહેલ રોડ પર આવેલ સર્વે નં. 1 એ સરકારી જમીન છે, જે MPCG પોલો ક્લબને 999 વર્ષની લાંબી મુદત માટે લીઝ પર આપવામાં આવી છે. 

આ જમીનનો ઉપયોગ વર્ષોથી રમતગમત અને જીમખાનાની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. ક્લબનો દાવો છે કે હાલમાં જે વિકાસ થઈ રહ્યો છે તે સર્વે નં. 2/એ ના આધારે હોઈ શકે, પરંતુ વાસ્તવિકતામાં તે સર્વે નં. 1 (સરકારી જમીન) માં પ્રવેશતો હોવાનું જણાય છે. સિટી સર્વે કચેરીના રેકોર્ડ મુજબ, વિકાસ થતો વિસ્તાર અવિભાજિત જમીનનો ભાગ છે જેમાં સર્વે નં. 1 ટીકા નંબર 17 અને 18 નો સમાવેશ થાય છે. વિકાસ માટે જે દસ્તાવેજોનો આધાર લેવાયો છે તેમાં દસ્તાવેજ નં. 669 (કબજા વગરની જમીનનો વેચાણ દસ્તાવેજ) હોવાનું સામે આવ્યું છે, જેની યોગ્ય ચકાસણી થવી જરૂરી છે. MGVCL ની તપાસમાં જાણવા મળ્યું છે કે એક જ વિસ્તારમાં અનેક HT અને LT કનેક્શન છે, જે GERC ના નિયમો મુજબ માન્ય નથી. ન્યાયપ્રક્રિયામાં વિશ્વાસ અને નિષ્કર્ષ MPCG પોલો ક્લબે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદેસરના વિકાસના વિરોધમાં નથી, પરંતુ વિકાસ કાયદા, જમીનની હદ અને નિયમો અનુસાર જ થવો જોઈએ. આ મામલો હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. ક્લબ દ્વારા વર્ષ 2024 માં એક ખાસ એસેટ કમિટી રચવામાં આવી હતી, જેણે VMC રોડ લાઇન અને સિટી સર્વે સુપર ઇમ્પોઝડ નકશા મેળવી સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. ક્લબના સત્તાધીશોએ તમામ સંબંધિત તથ્યો સત્તાધિકારીઓ સમક્ષ રજૂ કર્યા છે અને આશા વ્યક્ત કરી છે કે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી થશે.

Reporter: admin

Related Post