News Portal...

Breaking News :

બોલબચ્ચન સાંસદનાં પોકળ દાવાઓની પોલ ખૂલી

2025-08-25 11:15:46
બોલબચ્ચન સાંસદનાં પોકળ દાવાઓની પોલ ખૂલી


જ્યાં સુધી નિયમિત ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર ન થાય ત્યાં સુધી મહેરબાની કરીને સાંસદ સહિતના કોઈપણ નેતા ઇન્ટરનેશનલ એરપોર્ટના ગાણાં ગાય નહી તેવી નમ્ર અરજ છે. વિમાન મુસાફરોનો તમારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. 
ભાજપ સાંસદ હેમાંગ જોશી અને એરપોર્ટ સત્તાધીશો શું ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટ માને છે ખરા 



ભલે વડોદરા એરપોર્ટ ઇન્ટરનેશનલ દરજ્જાનું હોય પણ ફ્લાઇટમાંથી તમે ઉતરો એટલે તમારે ભીંજાતા જ જવું પડશે એરપોર્ટની અંદર 

વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાની મોટી મોટી ગુલબાંગો પોકારતા ભાજપી નેતાઓની પોલ ખોલતી એક પોસ્ટ એક મુસાફરે સોશિયલ મીડિયામાં શેર કરી છે અને તેના ફોટા પણ શેર કર્યા છે. આ મુસાફરે જે ફોટા સોશિયલ મીડિયામાં શેર કરેલા છે તેમાં જોવા મળે છે કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં મુસાફરોને ફ્લાઇટમાંથી ચાલુ વરસાદમાં પલળતા એરપોર્ટની અંદર જવું પડે છે. ફ્લાઇટને જે લેડર લગાડાય છે તે લેડર પર છત જ નથી. આટલા રુપિયા ખર્ચીને જ્યારે કોઇ મુસાફર ફ્લાઇટની મુસાફરી કરતો હોય ત્યારે તેને એટલી તો આશા હોય જ કે વિમાની કંપની અને એરપોર્ટ સત્તાધીશો દ્વારા તેને સુવિધા મળે પણ તમે ભલે ગમે તે ફ્લાઇટમાં વડોદરા આવો પણ તમારે ચોમાસામાં તો પલળીને જ એરપોર્ટ અંદર જવું પડશે. જે લેડર વિમાનમાંથી ઉતરતા મુસાફરો માટે મુકાઇ છે તેને છતવાળી બનાવાઇ હોત તો મુસાફરો ભીંજાતા ના હોત પણ ફોટા જ પુરવાર કરે છે કે મુસાફરો ફ્લાઇટમાંથી ભીંજાતા નીચે ઉતરી રહ્યા છે. ઇન્ટરનેશલ એરપોર્ટના સ્વપ્ના બતાડનારા રાજકીય અને વહીવટી અધિકારીઓ જોઇ લો આ છે વડોદરા એરપાર્ટ તેવો સણસણતો સવાલ આ મુસાફરે સોશિયલ મીડિયામાં કર્યો છે. વર્તમાન સાંસદ બાબા ભાઇ એટલે કે હેમાંગ જોશી ઇન્ટરનેશનલ એરપોર્ટના બણગાં ફુંકે છે અને ભુતકાળમાં 2 ટર્મ સાંસદ રહેલા રંજન ભટ્ટ પણ બણગાં ફૂકતા હતા કે વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે તો બંનેએ આ ફોટા જોઇ લેવા જોઇએ. આ મુસાફરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ એરપોર્ટ પર ભલે ઇન્ટરનેશનેલ ફ્લાઇટ નથી આવતી પણ જેટલી ફ્લાઇટ આવે છે તેના પેસેન્જરોને એરપોર્ટ ઉપર પૂરતી સગવડ આપી શકીએ છીએ? રાજ્યના પહેલા ગ્રીન ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ 22 ઓક્ટોબર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્રએ કર્યુ હતુ. એરપોર્ટનું ઇન્ટીરીયર, વીઆઇપી લોન્જ, સીઆઇપી લોંજ, રેસ્ટોરન્ટ અને બેઠક વ્યવસ્થા લક્ઝુરીયસ હોવાનું દેખાતુ હતુ. ત્યાર પછી એરપોર્ટને દેશની બેસ્ટ સ્ટિલ સ્ટ્રક્ચર બિલ્ડિંગ અને સ્વચ્છતા સહિતના અનેક એવોર્ડ મળ્યા. એરપોર્ટના નવા ટર્મીનલની છતને લિમ્કા બૂક ઓફ રેકોર્ડસમાં 164.2 મિટરની દેશની સૌથી લાંબી સિંગલ લેંથ સ્ટિલ રૂફ શીટના રેકોર્ડ તરીકે સ્થાન મળ્યું. આટલા એવોર્ડ પછી પણ વરસતા વરસાદ ટાણે આવતી ફ્લાઇટના મુસાફરોને ફ્લાઇટ લેન્ડ કરી દીધા પછી ટર્મીનલ સુધી આવવા માટે પલળતાં આવવુ પડે છે તે છે આજની વાસ્તવિકતા…અધતન એરપોર્ટ બન્યા પછી અનેક સ્થળોએ પાણી ટપકવાના કિસ્સાઓ જગજાહેર છે… સાંસદ હેમાંગ જોશીએ આ મુસાફરની વેદનાનો જવાબ આપવો જોઇએ



પેસેન્જરોને એરપોર્ટ પર પૂરતી સગવડ આપી શકીએ છીએ?
મુસાફરે પોસ્ટમાં લખ્યું છે કે દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ, હૈદ્રાબાદ, ગોવા સાથે સીધી કનેક્ટિવિટી ધરાવતાં વડોદરાના એરપોર્ટ પર વધુ કનેક્ટિવિટી વધારવા માટે તાજેતરમાં સાંસદ ડો. હેમાંગ જોષીએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો..વડોદરાનો સ્વર્ણિમ કાળ પરત લાવવાની એમની ઇચ્છા છે. ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવાની વાતો તો ભૂતકાળમાં ભાજપના સાંસદોની વાત કરીએ તો દીપીકા ચિખલીયા, જયાબેન ઠક્કર, બાળકૃષ્ણ શુકલ અને રંજનબેન ભટ્ટ પણ કરી ચૂક્યા છે. તે અગાઉના બિનભાજપીય સાંસદોની વાતો તો આપણે નોંધ લેતા નથી. સાંસદ ડો. હેમાંગ જોષીએ સંસદમાં એટલે સુધી કહ્યુ કે, વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે સક્ષમ છે. તેને આંતરરાષ્ટ્રીય કક્ષાની માન્યતા પ્રાપ્ત છતાં તેનો સદઉપયોગ કરવામાં નથી આવતો. વડોદરા એરપોર્ટ વડોદરા શહેર-જિલ્લો જ નહીં પરંતુ મધ્ય ગુજરાત તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક મહત્વના કેન્દ્રો આણંદ, ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચને સેવા પ્રદાન કરે છે.વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનેલ ફ્લાઇટ શરૂ કરવા માટે અનેક રાજકીય આગેવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. ઇન્ટરનેશનેલ ફ્લાઇટ શરૂ થાય તેની તૈયારીના ભાગરૂપે ફ્લાઇટ ક્લિયરન્સ માટેના સ્ટાફની નિમણૂંક પણ કરવામાં આવી હોવાના રાજકીય નિવેદનો થઇ ચૂક્યા છે. આ એરપોર્ટ ઉપર ભલે ઇન્ટરનેશનેલ ફ્લાઇટ નથી આવતી પણ જેટલી ફ્લાઇટ આવે છે તેના પેસેન્જરોને એરપોર્ટ પર પૂરતી સગવડ આપી શકીએ છીએ?

ભાજપના જ આગેવાનો નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે
આ મુસાફરે યોગ્ય રીતે બળાપો કાઢ્યો છે. તેમણે લખ્યું છે કે ખૂદ ભાજપના જ આગેવાનો તેના માટે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે….એરપાર્ટના બાંધકામમાં સ્ટ્રકચર તથા ડીઝાઇનમાં થયેલી લોલમલોલ માટે તપાસ પણ કરવાની ફરજ પડી હતી. એ એરપોર્ટને જ્યારે ઇન્ટરનેશનેલ કનેક્ટિવીટી અપાવવાનો અવાજ ઉઠાવનારાઓએ રૂપિયા ખર્ચીને આવનાર મુસાફરોને થતી પરેશાનીની પણ કાળજી લેવી જોઇએ. 

સર સયાજીરાવ ગાયકવાડે 1930માં વડોદરાના હરણી ખાતે એરપોર્ટની શરૂઆત કરી હતી
મુસાફરે નેતાઓને ભુતકાળ પણ યાદ અપાવ્યો હતો કે બાકી ઇતિહાસ સાક્ષી છે કે, દેશમાં જ્યારે ગણ્યાં ગાંઠ્યા એરપોર્ટ હતા ત્યારે સર સયાજીરાવ ગાયકવાડે 1930માં વડોદરાના હરણી ખાતે એરપોર્ટની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1939માં જર્મન ગ્લાઈડર કંપની દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટ અપાયું હતું. 1937માં એરોડ્રામ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું હતું. દેશ આઝાદ થતાં એરપોર્ટનો કબજો ભારત સરકારે લીધો હતો. વડોદરા એરપોર્ટ ખાતે કાર્યરત ગુજરાત ફ્લાઈંગ ક્લબ દ્વારા આઝાદી બાદ પાઇલટને ટ્રેનિંગ અપાતી હતી.

Reporter: admin

Related Post