પ્રધાનમંત્રીશ્રી વડોદરા કર્મભૂમિ હોવાનું ગૌરવ લે છે પરંતુ વડોદરાના વિખવાદો કદાચ એમને સૌ થી વધુ પીડા આપે છે.લોકસભા ની વર્તમાન ચુંટણીમાં વિવાદની શરૂઆત વડોદરા થી.વડોદરા એ ચોક્કસ મોદી સાહેબને દુઃખી કર્યા છે.વડોદરા એ એટલે વડોદરાની પ્રજાએ નહિ.લોકસભા થી લઈને મનપા સુધીની તમામ ચુંટણીઓમાં વડોદરાએ ભાજપને દિલ ખોલીને મત આપ્યા છે.વડોદરાની પ્રજા મોદી સાહેબને અઢળક પ્રેમ કરતી હતી,કરે છે અને કરતી રહેશે.તેઓને દુઃખી તો તેમના પક્ષના સ્થાનિક મોવડીઓ અને સત્તા પીપાસુ લોકો કરે છે.એટલે એવું કહી શકાય કે તેઓ વડોદરા કે વડોદરાના લોકોથી નહિ પણ પક્ષની સ્થાનિક નેતાગીરી અને એકબીજાને કાપવાની અંદરોઅંદરની હરીફાઈ થી નારાજ છે.અને કદાચ તેમના પક્ષનું ગુજરાતનું નેતૃત્વ વડોદરામાં પક્ષના દૂઝતા ઘા ને રીઝવી શકતું નથી,જાણ્યે અજાણ્યે રાજ્ય નેતૃત્વ જ લડતા જૂથો પૈકી ક્યારેક આ જૂથ તો ક્યારેક પેલા જૂથને ટેકો આપી બેસે છે અને પરિણામે પરિસ્થિતિ વકરે છે.જો પક્ષનું ગુજરાત નેતૃત્વ આંખમાં મરચાં આંજીને વડોદરાના મહત્વકાંક્ષી નેતાઓ ને તેમનું સ્થાન બતાવી દે,તેમને સખણા રહો નહિતર ભોગવોની અંતિમ ચેતવણી સત્તાવાહી સૂરમાં આપી શકે તો ઉપર મોદી સાહેબ કે અમિતભાઈએ ચિંતા જ ન કરવી પડે.કમનસીબે આ થઈ શકતું નથી.વર્તમાન લોકસભા ચૂંટણીનો જ દાખલો લઈએ.મોવડી મંડળે બધાને સાંભળ્યા પછી ટોચની નેતાગીરી સુધી સંભવિત ઉમેદવારોના નામો મોકલ્યા.દિલ્હીમાં એના પર તમામ પાસાઓ ચકાસીને વિમર્શ થયો અને રંજનબહેનને ત્રીજીવાર તક આપવાનો નિર્ણય જાહેર થયો.ઉપર છલ્લા દેખાવમાં સૌ એ આ નિર્ણય સ્વીકાર્યો.પેંડા વહેંચ્યા.રંજનબેન તુમ આગે બઢોના નારા લગાવ્યા.પણ અંદરખાને ટાંટિયાખેંચ શરૂ થઈ ગઈ.પક્ષના સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણીની લડાઇ ફાટી નીકળી.અંદરખાને લડાઇ હતી જ જે ખુલીને બહાર આવી.પણ ખરા યોદ્ધા મેદાનમાં ના દેખાયા અને એક પૂર્વ મેયર જેવા પ્રોક્ષી યોદ્ધાએ તલવાર તાણી.અન્યાય નો અહેસાસ જાતે થયો કે કોઈએ કરાવ્યો એ તો તેઓ જ કહી શકે.
પરંતુ ૨૦૨૪ ની ચુંટણીઓમાં પક્ષના ટોચ નેતૃત્વ ના નિર્ણય સામે નાફરમાની કે બળવાની શરૂઆત વડોદરાથી થઈ.પછી આ આગ સાબરકાંઠા અને અન્યત્ર પ્રસરી.વડોદરાની જૂથ બંધીએ શીશીમાં બંધ બળવાખોરી ના વૈતાળને ખુલ્લું મેદાન આપ્યું.મોદીસાહેબ વડોદરામાં કોઈ અજાણ્યા વોર્ડ કાર્યકરને ટિકિટ આપે તો પણ લોકો એમણે મૂકેલા ઉમેદવારને ચુંટી જ કાઢે. ડો.હેમાંગ જોશી યુવા છે,સુશિક્ષિત છે,પ્રતિભાશાળી છે.જો કે તેઓ ખાસ જાણીતા નથી.તો પણ મોદી સાહેબના ઉમેદવાર તરીકે દિલ્હી જશે,જંગી મતોથી ચૂંટાશે એ નક્કી જ છે.પરંતુ વડોદરાએ ઉમેદવાર બદલ્યા પછી પણ મોવડી મંડળને પિડવાનું ચાલુ રાખ્યું છે.નવા ઉમેદવારને શરૂઆતમાં પૂર્વ સાંસદ અને એમના જૂથે જ દિલ થી ટેકો ના આપ્યો.નારાજગી નો સ્પષ્ટ સંકેત આપ્યો.હાલમાં નાછૂટકે બધાં ટેકો આપી રહ્યાં છે એવું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે?પછી તમે જ કહો મોદી સાહેબ વડોદરાથી નારાજ ના રહે તો બીજું શું કરે?અહીં ફરીથી સ્પષ્ટતા કરવાની કે તેઓ વડોદરાથી નારાજ નથી.વડોદરા તો તેમના દિલમાં છે.તેઓ સ્થાનિક નેતાગીરી થી નારાજ છે.આ નેતાગીરીના વિખવાદો ના લીધે વડોદરા વિકાસમાં ક્યાંય પાછળ રહી ગયું છે.દિલ્હી અને ગાંધીનગર વડોદરા માટે અઢળક આપે છે.પરંતુ સ્થાનિક નેતાગીરી વિકાસના નામે બોટ દુર્ઘટના જેવા વિવાદોમાં પક્ષને ઘસડવાનું કામ કરે છે.પરિણામે પક્ષની છબી ખરડાય છે.સ્થાનિક નેતાગીરી કેમ આવું કરે છે? કારણ કે તેમને ખબર છે કે તેમના નામે વડોદરામાં કોઈ ભોજીયો ભાઈ પણ મત આપવાનો નથી.પક્ષને મત તો મોદીજી અને અમિતભાઈના નામે જ મળવાના છે.એટલે તેઓ પોતપોતાનો રાગ અલાપવા માં ગુલતાન રહે છે.એટલે ચુંટણી પ્રચારમાં વડોદરા આવવાનો ઝાઝો ઉત્સાહ મોદી સાહેબ બતાવતા નથી.આવે છે કે સભા યોજે છે તો નાછૂટકે આવું કરે છે.વડોદરાની સ્થાનિક નેતાગીરીએ તેમની આ નારાજગી સમજવી પડશે.તેની નોંધ લેવી પડશે.વડોદરાના લોકો મોદી સાહેબને ચાહે છે અને એમના લીધે પક્ષના નેતાઓ અને ઉમેદવારોને ચાહે છે એ સત્ય સમજીને,જૂથવાદ છોડી પક્ષ સર્વોપરીની ભાવના કેળવવી પડશે.તો જ વડોદરાનો સુઆયોજિત અને સમાયોજિત વિકાસ શક્ય બનશે.વિકસતા વડોદરાની પ્રત્યેક નવી સિદ્ધિને વધાવવા મોદી સાહેબ દિલ ખોલીને વડોદરા ત્યારે જ આવશે.અત્યારે તો સૌ શાનમાં સમજે,ખુલ્લી આંખે ભાનમાં સમજે તો સારું.બાકી ખૂબ મોડું થઈ જશે.
Reporter: News Plus