બરેલી : દેશભરમાં દશેરાના ઉત્સવની ધામધૂમથી ઊજવણી થઈ છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ચાર જિલ્લામાં આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.
વધુમાં મોબાઈલ ઈન્ટરનેટ, બ્રોડબેન્ડ અને બલ્ક એસએમએસ સેવાઓ પર આગામી ૪૮ કલાક માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે.બરેલીમાં ગયા શુક્રવારે જુમેની નમાઝ પછી એક મસ્જિદ બહાર ૨,૦૦૦થી વધુ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સમયે પથ્થરમારો અને લાઠીચાર્જમાં કેટલાક પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી હતી. 'આઈ લવ મોહમ્મદ' પોસ્ટરના વિવાદમાં ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખાંએ સૂચિત દેખાવો રદ કર્યા પછી આ હિંસા ફેલાઈ હતી.
મંડલાયુક્ત ભુપેન્દ્ર એસ. ચૌધરીએ કહ્યું કે, બરેલીમાં તાજેતરમાં થયેલી હિંસા પછી ગુરુવારે દશેરાના તહેવારને ધ્યાનમાં રાખતા બરેલી, શાહજહાંપુર, પીલીભીત અને બદાયું જિલ્લા માટે હાઈએલર્ટ જાહેર કરાઈ છે. વર્તમાન સ્થિતિને જોતા ફેસબૂક, યુ-ટયૂબ, વ્હોટ્સએપ અને મેસેજિંગ સિસ્ટમ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનના દુરુપયોગથી અફવાઓ ફાલાવા અને સાંપ્રદાયિક તોફાનો ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી આશંકા છે. આ સ્થિતિમાં જિલ્લામાં શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસની તૈનાતી અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ જરૂરી છે.
Reporter: admin







