વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શટડાઉનનો ઉપયોગ રાજકીય કિન્નાખોરીની ટોચ કોને કહેવાય તે બતાવવા કરવા માંડયો છે. તેણે ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં મંજૂર પ્રોજેક્ટ્સને ભંડોળ ફાળવણી ધડાધડ રદ કરવા માંડી છે.
તેમા ન્યૂયોર્કમાં રેલ્વે ટનલનો ૧૮ અબજ ડોલરનો પ્રોજેક્ટ છે અને ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં ૮ અબજ ડોલરના ગ્રીન એનર્જી પ્રોજેક્ટસને મળતું ફંડિંગ છે.ટ્રમ્પના આ પગલાંના કારણે ડેમોક્રેટ્સે દેકારો મચાવી મૂક્યો છે. વિપક્ષના નેતા ચક શુમરે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક શહેરમાં અત્યંત મહત્ત્વની એવી રેલ્વે ટનલના પ્રોજેક્ટને અટકાવવો તે રીતસરની મૂર્ખામી છે. આ પ્રોજેક્ટ હજારો નોકરીઓનું સર્જન કરે છે અને તેની સાથે પ્રાદેશિક અને દેશની ઇકોનોમી માટે આ પ્રોજેક્ટ ઘણો મહત્ત્વનો છે. આટલેથી જ ન અટકતા ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં ટ્રમ્પે આઠ અબજ ડોલરના ગ્રીન પ્રોજેક્ટ અટકાવી દીધા છે.
આના લીધે ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવાન અમેરિકાના પ્રયત્નોને ફટકો પડે તેમ છે. આમ ટ્રમ્પ વહીવટીતંત્ર સરકારના નાણાકીય સ્ત્રોત પર તેમના અંકુશનો ઉપયોગ ડેમોક્રેટ્સ પર શટડાઉન ખોલવા માટે દબાણ લાવવા કરી રહી છે.અમેરિકામાં હડસન નદીની નીચે આકાર લેનારી રેલ્વે ટનલનું બાંધકામ હંમેશા રાજકારણ અને ફંડિંગની મુશ્કેલીનો ભોગ બનતું રહ્યું છે. આ ટનલના લીધે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીને જોડતી ૧૧૦ વર્ષ જૂની ટનલ પરનું ભારણ ઓછું થશે. નવી ટનલ બનાવવામાં જેટલો વિલંબ થશે તેટલું જ નવી ટનલ પર ભારણ વધતું જશે. શટડાઉનને લઈને રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ રાખ્યો હતો.
Reporter: admin







