News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

2025-04-25 17:19:35
વડોદરા શહેરમાં નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી


માંજલપુર અને ગોરવા પોલીસ સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત સાથે એસ. પી. ઓફિસ અને આઈ.જી. ઓફિસનું ભૂમિપૂજન પણ કર્યું
પોલીસ દળોના કલ્યાણ માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી



વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરના પોલીસકર્મીઓને માળખાકીય સુવિધાઓ મળે તે માટે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું હતું. પ્રતાપનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજીત કાર્યક્રમથી જ મંત્રીએ માંજલપુર પોલીસ સ્ટેશન અને ગોરવા પોલીસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. તદુપરાંત એસ. પી. ઓફિસ (વડોદરા ગ્રામ્ય) અને આઈ. જી. ઓફિસ (વડોદરા રેન્જ)નું ભૂમિપૂજન મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પિત થનાર પોલીસ આવાસમાં પ્રતાપનગર ખાતે બી કક્ષાના ૩૩૬ આવાસ, અકોટા ખાતે બી કક્ષાના ૭૨ આવાસ તેમજ લાલબાગ એસ.આર.પી. ગ્રુપ-૧ ખાતે બી કક્ષાના ૭૨ આવાસ એમ કુલ ૪૮૦ સુવિધાસભર રહેણાંક આવાસનો સમાવેશ થાય છે. 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોલીસ દળોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઈમારતો ગુજરાત પોલીસના કર્મચારીઓ અને તેમના પરિવારોને સુવિધાસંપન્ન અને આધુનિક આવાસ પ્રદાન કરીને તેમની જીવનશૈલીમાં પણ સુધારો કરશે. આ પ્રસંગે પોલીસ કમિશનર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, રેન્જ આઈજી સંદીપ સિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post