જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
વડોદરા જિલ્લામાં આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરો: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
વડોદરા જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લાના આયોજન મંડળને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવી આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું હતું. જેથી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી શકાય. જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના નાના નાના પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ લાવવા તેમણે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી.જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ જિલ્લાના આઠ તાલુકાઓ માટે રૂ. ૯૭૫ લાખના ખર્ચે ૪૪૫ પ્રાથમિક સુવિધા સહ વિકાસના કામો, પાંચ ટકા પોત્સાહક જોગવાઈ હેઠળ રૂ. ૨૫ લાખના ૧૧ કામો તેમજ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ માટે રૂ. ૧.૨૫ કરોડના ૧૮ કામો તેમજ સમાજ કલ્યાણની ખાસ પ્લાન યોજના હેઠળના રૂ. ૧૦ લાખના ત્રણ કામો સહિત કુલ રૂ. ૧૧.૩૫ કરોડના સ્થાનિક જરૂરિયાત મુજબના રસ્તા, પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, પોષણ વગેરે પ્રાથમિક સુવિધાઓને લગતા ૪૭૭ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એટીવીટી યોજના સહિત વિવિધ યોજનાઓના વર્ષ ૨૦૨૩-૨૪ તથા વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના કામોની વિસ્તૃત સમીક્ષા કરી ૨૫નાં બાકી રહેલ કામો સરકારશ્રીની નિયત સમયમર્યાદામાં તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે જ સાંસદ સભ્ય ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા કરી હતી.

જિલ્લા આયોજન અધિકારી એમ. આર. રાઓલે આયોજન મંડળના કામોની વિસ્તૃત વિગતો આપી હતી.
આ બેઠકમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા, ધારાસભ્ય સર્વ શૈલેષભાઈ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષયભાઈ પટેલ, કેતનભાઈ ઈનામદાર, ચૈતન્યભાઈ દેસાઈ, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખઓ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Reporter: