અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર આજે વડોદરા શહેર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિની જાણકારી મેળવવા વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
મંત્રીએ સરકીટ હાઉસ વડોદરા ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહ સાથે બેઠક યોજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ રાહત કામગીરીની જાણકારી મેળવી સમીક્ષા કરી હતી.મંત્રીએ સંકટની આ ઘડીમાં સરકાર પ્રજાજનોની સાથે છે એવો અહેસાસ કરાવી લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે માનવીય સંવેદનાઓ સાથે કામગીરી કરવા તંત્ર વાહકોને અનુરોધ કર્યો હતો.આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા લોકોને જરૂરી ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સુવિધાઓ અસરકારક રીતે મળી રહે તે જોવા તેમણે જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર બીજલ શાહે વડોદરા શહેર જિલ્લામાં ઉભી થયેલ પરિસ્થિતમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ કામગીરીની વિસ્તૃત જાણકારી મંત્રીને પૂરી પાડી હતી.જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની મંત્રીએ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ અક્ષર ચોક વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે કલેકટર બીજલ શાહ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin