મુંબઈ : 13500 કરોડ રૂપિયા PNB બેન્ક લોન કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોકસીને બેલ્જિયમમાં ટ્રેસ કરાયો હતો. તે છેલ્લે વર્ષ 2021ના અંતે એન્ટીગુઆથી ભાગીને બેલ્જિયમ નાસી ગયો હતો.
અહેવાલ અનુસાર, હીરાના વેપારી રહી ચૂકેલા 65 વર્ષીય ચોક્સીની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ બાદ શનિવારે (12મી એપ્રિલ, 2025)ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. હવે તેના પ્રત્યાર્પણની તૈયારીઓ કરવામાં આવશે. જો કે, તેનો વકીલ તબીયત અને અન્ય બહાનાઓ થકી કોર્ટમાં જામીન મેળવવા વલખાં મારી રહ્યો છે.મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કર્યા પછી ચોક્સી ધરપકડથી બચવા માટે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો કારણ કે પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેની પાસે બેલ્જિયમમાં 'એફ રેસિડેન્સી કાર્ડ' હતું અને તે સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ આવ્યો હતો.પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસ પ્રકાશમાં આવે તે પહેલા જ મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારત છોડી ભાગી ગયો હતો. PNB લોન કૌભાંડ ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું બેંક કૌભાંડ હતું. બેંક ફ્રોડ સામે આવે તે પહેલા જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. 2021 માં, જ્યારે ચોક્સી ક્યુબા જઈ રહ્યો હતો, ત્યારે તે ડોમિનિકામાં પકડાયો હતો. ધરપકડ બાદ મેહુલે કહ્યું હતું કે આ બધું રાજકીય ષડયંત્રના કારણે કરવામાં આવી રહ્યું છે. તેણે આરોપ લગાવ્યો હતો કે EDએ ભારતમાં તેની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.
Reporter: admin