SOGની રેડમાં 1.6 કિલો ગાંજો જપ્ત, લક્ષ્મીપુરા પોલીસની કામગીરી પર સવાલ
વડોદરામાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનો વેપાર કરતી એક વ્યક્તિને SOGની ટીમે ઝડપી પાડ્યો છે.

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદના રહેણાક વિસ્તારમાંથી આરોપી પોતાના ઘરે બેઠા ગાંજાનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી SOGને મળી હતી. ત્યારબાદ SOGની ટીમે પંચોને સાથે રાખીને ત્યાં રેડ કરી હતી.રેડ દરમિયાન આરોપી આકાશ પુરુષોત્તમભાઈ બુધેલાના ઘરે થી આશરે 1 કિલો 600 ગ્રામ વનસ્પતિ માદક પદાર્થ (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે. ગાંજાની ચકાસણી અને પ્રમાણિકતા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. SOGએ આરોપીને કાબૂમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી બાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ભૂમિકા પર અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે જે વિસ્તારમાં આરોપી ખુલ્લેઆમ ગાંજાનો વેપારકરતો હતો, તે વિસ્તારની જવાબદારી લક્ષ્મીપુરા પોલીસ પાસે હતી. SOGએ રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યા બાદ, સ્થાનિક પોલીસની કામગીરી અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું પોલીસને આ બાબતની જાણ નહોતી કે પછી જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી?આ સમગ્ર મામલે હવે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Reporter: admin







