News Portal...

Breaking News :

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અનેક યાદો

2025-06-14 09:42:58
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અનેક યાદો


વિજયભાઈ રમણીકલાલ રૂપાણી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તા, સંઘ ના સ્વયંસેવક અને કટોકટી દરમ્યાન સૌથી નાની વયના રાજકીય કેદી…


મારો પ્રથમ પરિચય ૧૯૯૬ માં મેયર તરીકે વડોદરા કોરપોરેશનની ક્રિકેટ ટીમ લઈ રાજકોટ ગયા હતા ત્યારે થયો.વિજયભાઈ રૂપાણી પણ ત્યારે રાજકોટના મેયર હતા, ત્યારથી મિત્રતા નો એક સંબંધ બંધાયો જે સદાય માટે જીવંત જ રહયો. એક અદના કાર્યકર્તા, સંગઠન ને સમર્પિત કાર્ય પદ્ધતિ અને સ્પષ્ટ તેમજ આખા શબ્દોમાં સાચી વાત કહેવાની ટેવ ને કારણે વિજયભાઈ અણનમ યોદ્ધા બની રહ્યા…



સૌરાષ્ટ્રના છાપા ઘણી વખત વિરૂ તરીકે પણ તેઓનો ઉલ્લેખ કરતા રહ્યા છે.

૧૯૯૬માં પ્રથમ પરિચય પછી જ્યારે પણ વડોદરા આવ્યા હોય ત્યારે અચૂક યાદ કરતા. વડોદરામાં અંજુબેન ના ઘણાં સંબંધીઓ નિવાસ કરે છે, તેમની મુલાકાતે આવ્યા હોય તો પણ અવશ્ય મળતા. વડોદરા ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી ત્યારે સામેથી કહીને મારા ઘરે રાત્રી નિવાસ કર્યો હતો.પોતાની સંગઠન અને વિચાર પ્રત્યેની નિષ્ઠા ને કારણે ખૂબ આગળ વધ્યા. પ્રદેશ મહામંત્રી, રાજ્યસભા સાંસદ, વિવિધ બોર્ડના અધ્યક્ષ પણ રહ્યા, કોઈ પણ પદ પર રહ્યા પણ તેઓની ભીતર એક કાર્યકર્તા સદાય જીવંત રહ્યો.તેઓ મહામંત્રી હતા ત્યારે જ મને પ્રદેશ મંત્રી તરીકે તેઓની સાથે કામ કરવાની તક મળી. તેઓ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે પણ પ્રદેશ મહામંત્રી તરીકે તેમની સાથે કામ કર્યું. ગુજરાત સરકાર માં મંત્રી પદે રહ્યા ત્યારે પણ અને રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહ્યા ત્યારે પણ કાર્યકર્તા સાથેના એ જ ભાર વગરના આત્મીય સંબંધો જાળવી રાખવા જેવું કઠણ કામ પણ વિજયભાઈ સરળતા પૂર્વક કરતા રહ્યા. છેલ્લે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે દિલ્હી હતો ત્યારે “ગરવી ગુજરાત” ખાતે કાર્યકર્તાઓ સહિત મળવાનું થયું હતું, એમનો એ જ આત્મીય ટહુંકો હંમેશ માટે યાદ રહેશે. 


પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાહેબ અનેક યાદો છોડી ગયા  ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલની જવાબદારીના ભાગ રૂપે  જયારે જયારે મુખ્ય મંત્રી મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતા ત્યારે જોડે ઉભા રેહવાની તક મળતી આજે આ બધી સ્મૃતિ માનસ પટલ પર છતી થઇ રહી છે સદગત આત્મા ને શાંતિ આપે હર્ષદ પરમાર  -પ્રમુખ મોરચા વડોદરા મહાનગર

આટલી સુદીર્ઘ રાજકીય કારકિર્દીમાં પણ એક નિષ્કલંક, સરળ હૃદયના અને ઉમદા વ્યક્તિ તરીકેની તેઓની છબી હંમેશ માટે હૃદયમાં અંકિત રહેશે.

આવજો વિજયભાઈ

Reporter: admin

Related Post