કાનપુર:દિવાળીની ઉજવણી માટે પતિ-પત્ની ફટાકડા અને ગેસ સિલિન્ડર લાવી રહ્યા હતા પરંતુ સિલિન્ડર ફાટતાં પતિનું મોત થયું હતું. તેની પત્નીને ગંભીર ઈજા થઈ હતી.
જિલ્લાના સિસામાઉ વિસ્તારનો રહેવાસી સુરેન્દ્ર તેની પત્ની સાથે દિવાળીનો સામાન ખરીદવા ગુરુવારે મોપેડ પર બજારમાં ગયો હતો. પતિ-પત્ની બજારમાંથી ખરીદી કરીને પરત ફરતી વખતે તેના હાથમાં એક નાનો ગેસ સિલિન્ડર અને કેટલાક ફટાકડા હતા. સુરેન્દ્ર ઘરની નજીક પહોંચતા જ ઘરની બહાર સિલિન્ડર ફાટતા સુરેન્દ્રનું મોત થયું હતું.બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો સ્થળ પર પહોંચી ગયા અને કોઈક રીતે સુરેન્દ્રની પત્નીને હોસ્પિટલ લઈ ગયા. સુરેન્દ્રની પત્ની હજુ પણ જીવન-મરણ વચ્ચે લડી રહી છે. બ્લાસ્ટની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે સુરેન્દ્રનું મોપેડ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું.
DCP દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટના સમાચાર હાલમાં જ સામે આવી રહ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનું મૃત્યુ થયું છે અને તેની પત્ની સારવાર હેઠળ છે. સિલિન્ડર કેવી રીતે ફાટ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ ભાજપના ઉમેદવાર સુરેશ અવસ્થી અને સપાના ધારાસભ્ય અમિતાભ બાજપાઈ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પોલીસે કહ્યું કે, હાલમાં સિલિન્ડર પોતાની મેળે જ ફાટવાનો મામલો સામે આવ્યો છે. જો કે, તે નાનું ગેસ સિલિન્ડર હતું. ફટાકડા એકસાથે હોવાના કારણે બ્લાસ્ટની તીવ્રતા વધી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે સુરેન્દ્રએ જીવ ગુમાવ્યો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મૃતકનો એક હાથ અલગ થઈને દૂર પડ્યો હતો.
Reporter: admin