વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી મહિલા પણ સુરક્ષિત નહી હોવાની સાબિતી કરાવતો કિસ્સો સપાટી પર આવ્યો છે. વડોદરાની ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મહિલા સારવાર હેઠળ હતી. તે દરમિયાન મેલ નર્સ દ્વારા તેમની છેડતી કરવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. આ મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ ગોરવા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને દબોચી લીધો છે
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મહિલા સારવાર માટે એડમિટ થઇ હતી. તેવામાં હોસ્પિટલમાં કામ કરતા મેલ નર્સ (સ્ટાફ નર્સ) દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી. મેલ નર્સ દ્વારા છેડતી કરાતા મહિલા હેબતાઇ ગઇ હતી અને પોતાના પરિવારને વાત કરી હતી અને ત્યારબાદ મહિલાએ ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે ગોરવા પોલીસ મથકમાં હોસ્પિટલના સ્ટાફ નર્સ મોહીતકુમાર લીલારામ ચતુર્વેદી (રહે. સારાભાઇ સોસાયટી, હરિનગર, સોસાયટીની બાજુમાં, ગોત્રી) (મૂળ રહે. રધુવંશી ગામ, કરૌલી, રાજસ્થાન) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદ દાખલ થતાની સાથે જ ગોરવા પોલીસ એક્શનમાં આવી હતી. અને આરોપીને પકડી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને કામે લગાડવામાં આવી હતી. પોલીસની ટીમોએ સીસીટીવી, હ્યુમન સોર્સિસના આધારે ગુનાના આરોપી મોહિતને ગણતરીના સમયમાં દબોચી લીધો છે. ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના વિરૂદ્ધમાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Reporter: admin