News Portal...

Breaking News :

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહારક્તદાન શિબિર

2025-09-16 13:35:12
વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહારક્તદાન શિબિર


વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે “નમો કે નામ રક્તદાન” અભિયાનમાં વડોદરા પણ જોડાયું
મહારક્તદાન શિબિરમાં ૧૦૦૧ યુનિટ એકત્ર કરવાનો નિર્ધાર


વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં યોજાનારા આ અભિયાન અંતર્ગત વડોદરાની શિક્ષણ સમિતિએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકો, શિક્ષક વર્ગ, વહીવટી સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ, એસ.એમ.સી. સભ્યો તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉમદા કાર્યને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બિરદાવતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૨૦૧૪થી સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને તેમના ૭૫મા જન્મદિવસ નિમિત્તે “નમો કે નામ રક્તદાન” મહારક્તદાન શિબિર નવો ઇતિહાસ રચશે. સમગ્ર રાજ્યમાં યોજાનારા આ શિબિરો દ્વારા એક લાખથી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાની યોજના છે, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવે તેવા આશાવાદ સાથે આગળ વધી રહી છે. 


વડોદરા શિક્ષણ સમિતિએ પોતાના સ્તરે ૧૦૦૧ બ્લડ યુનિટ એકત્ર કરવાનો સંકલ્પ કર્યો છે. એકત્ર થનાર બ્લડ યુનિટ સૈનિકો, થેલેસેમિયાથી પીડાતા બાળકો, ડાયાલિસિસ દર્દીઓ અને ગંભીર બીમારીઓથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓ સુધી નિઃશુલ્ક પહોંચાડવામાં આવશે. આ મહારક્તદાન શિબિરનું આયોજન સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈ, ઉપાધ્યક્ષા અંજના ઠક્કર તથા શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ ૧૬ સપ્ટેમ્બરનાં રોજ સવારે ૮ વાગ્યાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે યોજાશે, જેમાં પ્રતિષ્ઠિત સંસ્થા રેડક્રોસ સહયોગી તરીકે જોડાશે. શિક્ષણ સમિતિએ વડોદરાના નગરજનો, વાલીશ્રીઓ અને શિક્ષક પરિવારને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવા માટે આહવાન કર્યું છે જેથી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે માનવ સેવા કાર્યને ભવ્ય સફળતા મળે.

Reporter: admin

Related Post