વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમે મગરને સુરક્ષિત રીતે પકડી વન વિભાગને સોંપ્યો

આજરોજ રાત્રિના આશરે ૧ વાગ્યાના સમયે અણખોલ ગામમાંથી ચકચાર મચાવતો કોલ પ્રાપ્ત થયો હતો કે ગામના વચ્ચે એક ચાર ફૂટ લાંબો મગર આવી પહોંચ્યો છે. ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાતા તાત્કાલિક જાણ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના યુવરાજસિંહ રાજપૂત સુધી પહોંચી હતી. જાણ મળતા જ યુવરાજસિંહ રાજપૂત અને તેમની ટીમના યશ તડવી સહિતના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટીમે તકેદારીપૂર્વક કામગીરી હાથ ધરીને મગરને કોઈ નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. ત્યારબાદ વન વિભાગના અધિકારી નિતિન પટેલને મગરને સોંપીને રેસ્ક્યુ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, મગર ગામના મધ્યમાં દેખાતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમના ઝડપી પગલાંઓને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નહોતી. અણખોલ ગામમાં બનતી આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વરસાદી મોસમ દરમિયાન જળચર પ્રાણીઓ વસવાટ વિસ્તારમાં પ્રવેશી જાય છે, જેના કારણે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમો સતર્ક રહેવી જરૂરી બને છે. મગરને સફળતાપૂર્વક પકડી પાડવાની આ કામગીરી માટે યુવરાજસિંહ રાજપૂત અને તેમની ટીમની ગામજનો દ્વારા પ્રશંસા થઈ રહી છે.
Reporter: admin







