આપણા નવા-જૂના, અનુભવી-બિનઅનુભવી, સારા-નરસાં સાંસદોને દેશની રાજધાની દિલ્હીમાં આલિશાન ફ્લેટ મળવાનો છે.

દિલ્હીના સૌથી પોશ વિસ્તાર બાબા ખડકસીંગ માર્ગ પર પાંચ હજાર ફૂટના 184 લક્ઝુરિયસ ફ્લેટ બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો માટેના ફ્લેટના ટાવર્સનું તાજેતરમાં જ ઉદ્ઘાટન કર્યું હતુ. ત્યારબાદ સાંસદોના ફ્લેટ અંદર અને બહારથી દેખાડવા માટે ન્યુઝ ચેનલોમાં રીતસરની હરિફાઈ જામી છે. ખેર, દેશમાં સૌથી અઘરી નોકરી જ સાંસદ છે. અઘરી એટલા માટે કારણ કે, એક તો સાંસદ બનવું આસાન નથી અને બન્યાં પછી ટકી રહેવુ સહેલું નથી. આમ તો ફાયર ફાઈટર, સ્ટંટમેન, આર્મી, કેમિકલ ફેક્ટરીના કર્મચારી, બોંબ સ્કવોર્ડ અને ફિશરમેનનું કામ સૌથી ખતરનાક હોય છે. સાંસદના કામમાં જીવને બદલે ચારિત્ર્ય ટકાવી રાખવાનું જોખમ સૌથી મોટું છે. જોકે, 1.24 લાખના માસિક પગાર સાથે સાંસદની નોકરી કંઈ ખોટી નથી. દેશની મોદી સરકારે સાંસદના દિલ્હીના રહેઠાણને થોડું શોભે એવું બનાવવા માટે લગભગ 600 કરોડ રુપિયા જેટલી જંગી રકમ ખર્ચી નાંખી છે.

હવે સાંસદને પણ એના પદ, લાયકાત અને પ્રતિષ્ઠાને અનુરુપ રહેઠાણ પ્રાપ્ત થશે. દિલ્હીના બાબા ખડકસીંગ રોડ પર સાંસદો માટે ખાસ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેનું ક્ષેત્રફળ આશરે 5000 ફૂટનું છે. આ ફ્લેટમાં પાંચ આલિશાન બેડરુમ એટેચ ટોયલેટ બાથ, મોડ્યુલર વોડ્રોબ, મોડ્યુલર કિચન, યુપીવીસી વિન્ડો અને વિટ્રિફાઈડ ફ્લોરિંગ, વીઆરવી એર કન્ડિશન, વિડિયો ડોર ફોન, વાઈફાઈ, સેન્ટ્રલાઈઝ્ડ કેબલ ટીવી, પાઈપ્ડ ગેસ, આરઓ વોટર સિસ્ટમ અને એમના પર્સનલ આસિસ્ટન્ટ માટે ઓફિસ સ્પેસ તથા કર્મચારીઓ માટે બે અલાયદા રુમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તમને જાણીને નવાઈ લાગશે પણ સાંસદોના આવાસોના બિલ્ડીંગ બનાવવામાં એકપણ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બિલ્ડીંગનું આખુ સ્ટ્રક્ચર આરસીસી અને એલ્યુમિનિયમ શટરિંગ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યુ છે. ખેર, દિલ્હીના આવા આલિશાન ફ્લેટમાં રહેવાનું સૌભાગ્ય માત્ર સાંસદોને મળશે. આજના યુવાનોને અમારી અપીલ છે કે, ભણતર પૂર્ણ કર્યા પછી નોકરી કે, બિઝનેસ કરવા કરતા પોલિટિક્સ જોઈન કરશો તો કદાચ સાંસદ બનીને આવા લક્ઝુરિસ ફ્લેટમાં રહેવાનો મોકો તમને પણ મળશે.


Reporter: admin







