વાપી : ટાઉન પોલીસ મથક વિસ્તારમાં એક મહિલા પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીની ઓળખ નુરમોહંમદ બદરૂદ્દીન મીયા તરીકે થઈ છે. ધરપકડથી બચવા માટે આરોપીએ નાટકીય ઢબે સાધુનો વેશ ધારણ કરી લીધો હતો અને બિહારમાં છુપાયો હતો.ગત તા. 14 ઓક્ટોબર 2025 ના રોજ વાપીના ગોડાલનગરમાં રહેતા નુરમોહંમદ બદરૂદ્દીન મીયા સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનો આચર્યા બાદ આરોપી તુરંત જ વાપી છોડીને ફરાર થઈ ગયો હતો. વાપી ટાઉન પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમોએ સંયુક્ત રીતે તેની શોધખોળ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ધરપકડ ટાળવા માટે પોતાનો દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તેણે માથે લાંબા વાળ અને દાઢી વધારી સાધુનો વેશ ધારણ કરી લીધો હતો.
તે અલગ-અલગ ધાર્મિક સ્થળોએ આશ્રય લઈને પોલીસને થાપ આપી રહ્યો હતો.શરૂઆતમાં આરોપીનો મોબાઈલ ફોન બંધ આવતા પોલીસને મુશ્કેલી પડી હતી. જોકે, ટેકનિકલ ટીમ દ્વારા તેના અન્ય એક મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જે બિહારના કોચસગામ વિસ્તારમાં બતાવતું હતું.લોકેશન મળતા જ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી. સ્થાનિક પોલીસની મદદથી કલાકોની મહેનત બાદ સાધુના વેશમાં છુપાયેલા નુરમોહંમદને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આરોપીને વાપી લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
Reporter: admin







