સુરત : કિંજલ દવેના આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈનો મામલો માંડ શાંત પડ્યો છે ત્યાં વધુ એક ગાયક કાલાકારે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા વધુ એક વિવાદને હવા મળી છે.
સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પરિવારની નારાજગી અવગણીને તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે સાત ફેરા ફરી લીધા છે. જેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આરતીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને સમર્થન આપી પડકાર સાથે નવું જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે.અહીં એક જ પ્રશ્ન છે કે પરિવાર પહેલા કે પ્રેમ! એક જમાનો હતો જ્યારે ઘરના વડીલ કહે તેમ દીકરીઓ ઢળી જતી, થનારા પતિનું મોઢું પણ ન જોયું હોય તો પણ સ્વીકારી લેતી, પણ હવે જમાનો આધુનિક થઈ ગયો છે. યુવક યુવતીઓ પ્રેમમાં પડે છે, ઘણી વાર પરિવારને જાણ પણ કરે છે પણ નારાજગી હોય તેમ છતાં પ્રેમને પામવા લગ્ન તો કરી જ લે છે. કહે છે જોયું જશે,
હાલ યુવક-યુવતીઓ એટલા સમજણા થઈ ગયા છે કે પોતાના જીવન જીવવાનો હક્ક મા-બાપને શીખવી રહ્યા છે. યુવાવસ્થામાં છોકરી/છોકરાને અધિકાર છે જ તેનું મન હોય ત્યાં માંડવો માંડે, પણ ઉછેરી, ભણાવી ગણાવી મોટા કરતાં મા-બાપ રૂઢિગત અને સામાજિક ઢાંચાને વળગી રહે છે. પોતાના દીકરા કે દીકરીના હિતમાં અન્ય સમાજમાં ન જવાની એક અંશે જીદ કરે છે. અને યુવતી સાથે પારિવારિક છેડો ફાડે છે. એ નક્કી કરવું મુશ્કેલ છે કે કોણ સાચું કોણ ખોટું! પરિવારની જીત કે પ્રેમની, સમાજના બંધારણની જીત કે કાયદાની.સમાજ, પરિવાર અને જીવનસાથીના આ ચક્રમાં હવે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણી ફસાઈ છે. તેના પરિવારની વાત કરીએ તો તેના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કથી પેટિયું રળે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આરતી અને તેની બહેન જોડકા છે.
Reporter: admin







