પંચમહાલ : જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર આવેલા શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે દિવાળીની રજાઓમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઊમટી રહી છે. સરેરાશ કરતાં બમણી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી પોલીસ અને એસઆરપી જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અહીં આવતા લાખો યાત્રાળુઓને વાહન પાર્કિંગની સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રિકોએ કિલોમીટરો દૂર પોતાનાં વાહનો પાર્ક કરી ફરજિયાત ખાનગી વાહનો મારફતે એસટી ડેપો સુધી પહોંચી બસમાં માચી જવું પડી રહ્યું છે.
નવા વર્ષની શરૂઆતને લઇ ભક્તોએ મહાકાળી માતાજીનાં દર્શન કર્યાં હતાં. મંદિરે દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોએ લાંબી લાઈનો લગાવી હતી. જેના કારણે પગથિયાં અને મંદિર ચોક ભાવિકોથી ઉભરાઈ ગયા હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. ત્યારે મંદિરે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
હાલ દિવાળીની રજાઓના માહોલ વચ્ચે યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને દરરોજ સરેરાશ બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે આજે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ અહીં જોવા મળી છે. વહેલી સવારે જ માઇભક્તો માતાજીનો જયકાર કરતા મંદિરે પહોંચ્યા હતા. રોપ-વે સુવિધા ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા પણ શ્રદ્ધાળુઓની ભીડ જોતા મોડી રાત્રી સુધી ઉડન ખટોલાની સુવિધા ચાલુ રાખવામાં આવી હતી. આજે પણ વહેલી સવારે મોટી સંખ્યામાં પહોંચેલા માઈભક્તોએ ભારે ભીડ વચ્ચે મહાકાળી માતાજીનાં દર્શન કર્યા હતા.
Reporter: admin