જિલ્લા એલસીબી પોલીસે પ્લાસ્ટીકના દાણા ભરેલી બેગોની આડમાં લઇ જવાતો 23 લાખ ઉપરાંતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે દારુના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી. જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે આમલીયારા ગામે જીઇબી સ્ટેશન પાસે વોચ ગોઠવીને ગોધરાથી વડોદરા તરફ આવી રહેલા બંધબોડીના અશોક લેલેન્ડ ટ્રકને અટકાવ્યો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતાં પ્લાસ્ટીકના દાણા ભરેલી બેગો જોવા મળી હતી. જો કે પોલીસ પાસે પાકી બાતમી હોવાથી પોલીસે દાણા ભરેલી બેગો હટાવીને તપાસ કરતાં દારુનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી દારુની 327 પેટી (કિંમત 2345448) જપ્ત કરી ટ્રક ચાલક મોહમંદ અબ્બાસ સાહબખાન ખાન (રહે, રાજસ્થાન) ની ધરપકડ કરી દારુ અને ટ્રક સાથે 6415469 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે અલી મેવ નામના રાજસ્થાનના શખ્સે તેને ફોન કરીને દિલ્હી જયપુર હાઇવે પર કોટપુતલી ટોલનાકા પર બોલાવ્યો હતો અને ત્યાંથી આ ટ્રક આપીને વડોદરા જવાનું કહ્યું હતું. અલીએ વડોદરા પહોંચ્યા બાદ ફોન કરવા જણાવ્યું હતું જેથી પોલીસે દારુ મોકલનાર અને વડોદરામાં કોણે દારુ મંગાવ્યો હતો તેની તપાસ શરુ કરી હતી.
Reporter: admin







