વડોદરા : હાલના ટ્રેન્ડ પ્રમાણે લગ્ન પ્રસંગોમાં આવતા શોખીન મહેમાનો ને આવી રેડી ટુ ડ્રીંક બોટલો આપી દેવાય છે. સાથે સ્ટાર્ટર તરીકે નાસ્તો પણ મહેમાનોને પીરસવામાં આવે છે.

લગ્ન પ્રસંગમાં દારૂ પીરસવાનો અખંડ ફાર્મનો કિસ્સો તાજો કરતો વીડિયો વાઇરલ થયો છે. જેમાં માંજલપુરના મોટા ગજાના એક બિલ્ડરના પુત્રના લગ્ન પ્રસંગ પુર્વે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મહેમાનો માટે ખાસ તૈયાર કરાયેલી રેડી ટુ ડ્રીંક બોટલમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ પીરસવામાં આવ્યો હતો. દારૂની નાની બોટલો બનાવવાનો વીડિયો વાઈરલ થતાં ચોંકી ઉઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.બિલ્ડરને ત્યાં લગ્ન અગાઉ યોજાયેલા સંગીતના કાર્યક્રમમાં રાજકારણીઓ, તબીબો, બિલ્ડરોથી માંડી પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હોવાનું માનવામાં આવે છે.
ભારે ચર્ચાસ્પદ બનેલા અખંડ ફાર્મ હાઉસ પ્રકરણમાં તમામ નિર્દોષ છૂટ્યા બાદ માલેતુજારોમાં લગ્ન કે શુભ પ્રસંગોમાં દારૂ પીરસવાનું ફરી શરૂ થયું હોય એમ આ વીડિયો ઉપરથી લાગી રહ્યું છે.આ વીડિયો માંજલપુર વિસ્તારના પાર્ટી પ્લોટનો હોવાનું માનવામાં આવે છે. એક મિનિટ અને દસ સેકન્ડના આ વીડિયોમાં મોંઘી સ્કોચ વ્હિસ્કી બ્લેક લેબલ ની 20 જેટલી એક લિટરની બોટલો નજરે પડે છે. એ પૈકી કેટલીક ભરેલી છે અને કેટલીક ખાલી છે. આ ખાલી બોટલોમાંથી નાની ખાસ તૈયાર કરાયેલી બોટલો ભરવામાં આવી હતી. જેની સંખ્યા 300 જેટલી હોવાનુ અનુમાન લગાવી રહ્યું છે.વાઈરલ વિડીયોમાં વ્હિસ્કીનો જથ્થો તૈયાર કરાયો હોવાનું જોઈ શકાય છે.
Reporter: admin