વડોદરામાં 2023માં યોજાયેલી શિવજી કી સવારી અને તેને સંલગ્ન તમામ ડાયરા સહિતનાં કાર્યક્રમોનો 1 કરોડનો અંદાજીત ખર્ચ વડોદરાવાસીઓને માથે નાખવા માટે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ આકાશ પાતાળ એક કરી રહ્યા છે. આ તેમના ટ્રસ્ટનો કાર્યક્રમ હોવા છતાં તેઓ પાલિકા મારફતે આ ખર્ચો વસુલવા માટે મથી રહ્યા છે અને સ્થાયીના ચેરમેન શીતલ મીસ્ત્રી પર દબાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સાત સાત વર્ષથી પ્રજાના મતોથી ચૂંટાયેલા આ સિનીયર મોસ્ટ ધારાસભ્ય વડોદરાવાસીઓના માથા પર પોતાનો ખર્ચો નાખવાનો કેમ પ્રયાસ કરી રહ્યા છે તે સમજાતું નથી. યોગેશ પટેલે પત્રકાર પરિષદમાં એક નેતાને ના છાજે તેવું નિવેદન કરીને તેમણે હાથે કરીને પોતાની છબી ખરડી દીધી છે. યોગેશ પટેલે પત્રકાર પરિષદમાં કોર્પોરેશનને આડેહાથે લઇને આડકતરી રીતે દબાણ આપ્યું હતું કે આપ ન કરી શકો તો સરકારની મંજૂરી લઈ બીલો અમને સોંપી દો. અમે આ બાબતે ખર્ચ કરવા તૈયાર છીએ.હવે સવાલ એ થાય છે કે જો યોગેશ કાકાને કોર્પોરેશને દરખાસ્ત મુલતવી રાખવાનું આટલુ બધુ ખોટુ લાગ્યું હોય તો તેમણે સામે ચાલીને આ રકમ ચૂકવી દેવી જોઇએ તેમાં પાલિકા પર દબાણ લાવવાની શી જરુર છે, તે સમજાતું નથી. યોગેશ પટેલને મનમાં આટલું બધું લાગી આવતું હોય કે પોતાનું પાલિકામાં કોઇ સાંભળતું નથી અમને પાલિકા ના કરે તો અમે ખર્ચ કરી દઇશું તેવી ગુલબાંગો પોકારતા હોય તો તેમણે અત્યાર સુધી કેમ રાહ જોઇ...તેમણે પહેલાં જ આ ખર્ચો ચુકવી દેવો જોઇતો હતો,. 2 વર્ષ સુધી યોગેશ કાકાએ ખર્ચો ના ચુકવ્યો અને હવે શેખી મારે છે કે તમે ના કરી શકો તો સરકારની મંજૂરી લઇને અમને સોંપી દો..અમે આ બાબતે ખર્ચ અમે કરીશું.એ વાત તો જગજાહેર છે કે પાલિકા માંડ માંડ પોતાનું પુરુ કરે છે. પાલિકાને સરકારમાંથી મળતી ગ્રાન્ટો અને વેરાની આવકમાંથી પાલિકા વિકાસના કામો કરે છે અને મહેકમનો ખર્ચો પણ ઉઠાવે છે ત્યારે પાલિકાના માથા પર 1 કરોડની રકમનો ખર્ચો નાખવામાં યોગેશ કાકા કેમ મમત કરી રહ્યા છે તે સવાલ છે. પાલિકા જો યોગેશ પટેલની વાત માની લે તો પછી શહેરમાં ઉજવાતા તમામ ધર્મોના ખર્ચોનો બોજો પણ પાલિકાના માથે આવી જાય તે સ્વાભાવિક છે કારણ કે તેમાં પછી આરોપ ઉઠે કે આ વહાલા દવલાની રાજનીતિ થઇ રહી છે. શિવજીની યાત્રાને કુંભ સાથે જોડીને ધારાસભ્ય શું સાબિત કરવા માગે છે તે સમજાતું નથી.

યોગેશ કાકાએ શિવજી કી સવારીનો ખર્ચો જાતે ઉઠાવવા માટે પત્રકાર પરિષદમાં કહ્યું છે તો કરી પણ બતાવવું જોઇએ અને પાલિકા પાસે જે શિવજીની મૂર્તિની માલિકી છે તેનાં દર વર્ષનાં કાર્યક્રમોનાં ખર્ચની જવાબદારી લઇ લેવી જોઇએ પણ તેના બદલે ચેરમેન પર દબાણ લાવીને આટલી મોટી રકમ પાલીકા જ ચૂકવે , પાલિકાની જવાબદારી છે તેમ કહીને વડોદરાવાસીઓના માથા પર આ બોજો ના નાખવો જોઇએ.આ ખર્ચ દર વર્ષે પાલિકાને ના પોસાય. પાલિકા માંડ માડ પોતાનું પુરુ કરે છે.પોતાની કરની આવક તો મહેકમમાં જ ખર્ચાઈ જાય છે.બાકી સરકારી ગ્રાન્ટ ઉપર.હજી તો ૫૦૦ કરોડનાં બોન્ડ બહાર પાડી વધારાનું દેવું ઉભું કરવાના જાહેરાત કરાઈ છે.અગાઉ ૨૦૦ કરોડનાં બોન્ડ બહાર પડાયા હતા.એક તરફ પાલિકા પોતાનું જ માંડ માંડ પુરુ કરે છે ત્યાં વળી આ વધારાનો બોજો કેવી રીતે સહન કરી શકશે તે મોટો સવાલ છે. બીપીએમસી એક્ટમાં ક્યાંય પણ લખેલું નથી કે ડાયરા કરવા અને યાત્રાઓ કાઢવી અને તેનો ખર્ચો પાલિકાએ ભોગવવો.શહેરને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રી.પુરમાંથી રાહત નથી મળી રહી .તો પછી પાલિકા આવા ખર્ચો કેમ કરે તે સમજાતું નથી, પાલિકા ગ્રાન્ટોમાંથી વિકાસના કામો કરે છે અને વેરાની વસુલી કરીને મહેકમનો પગાર ચૂકવે છે તો ડાયરાઓનો ખર્ચો ક્યાંથી કાઢશે તે યોગેશ કાકાએ સમજી લેવું જોઇએ. ધાર્મીક કાર્યક્રમોના આયોજનો અને તેનો ખર્ચો કરવામાં જો પાલિકા પૈસા બગાડશે તો વિકાસના કામો અધુરા રહી જશે તે ચોક્કસ વાત છે. પાલિકા કેટલા ધાર્મિક ખર્ચા કરશે જો પાલિકા ડાયરાઓનો ખર્ચો આપવાનું ચાલુ કરશે તો વડોદરાના તમામ ધર્મો-તમામ જ્ઞાતિનાં લોકો દ્વારા ઘણી યાત્રા અને જુલુસ નીકળે છે તો પાલિકાએ આ તમામ યાત્રાઓ અને જુલુસના ખર્ચા ભોગવવા પડશે. તેટલી આસાન વાત પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેતા સિનીયર ધારાસભ્યો-સાંસદ સમજી શકતા નથી અને આમ છતાં તે પત્રકાર પરિષદમાં ચેરમેન પર આડકતરું દબાણ લાવી રહ્યા છે. આ ખર્ચો યોગેશ કાકાએ ચૂકવી દેવો જોઇએ.જો પાલિકાની જવાબદારી છે તો ટ્રસ્ટ કેમ પત્રકાર પરિષદ કરે છે.જો શિવજી કી સવારીનું આયોજન અને ખર્ચો પાલિકા ભોગવતી હોય તો પત્રકાર પરિષદનું આયોજન પણ પાલિકા દ્વારા થવું જોઇએ અને મેયર અને ચેરમેને પત્રકાર પરિષદ બોલાવવી જોઇએ પણ તેના બદલે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. યોગેશ કાકાની આ બેવડી નીતિ છે.ધર્મની આડમાં રાજકીય રોટલો શેકાવો જોઈએ નહી. ધારાસભ્ય યોગેશ પટેલ રાજકીય રોટલો શેકવા બેઠા છે. પોતાની વાહવાહી થાય તેમાં તેમને રસ છે. પાલિકાને માથે યાત્રા અને સંલગ્ન કાર્યક્રમોનો ખર્ચો નાખી દઇને પાલિકાની કામગિરી પોતાના નામે ચઢાવીને પોતાના વખાણ થાય અને પોતાનું નામ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે, કહેવાય છે કે રાજકીય નેતાઓ ગીધ જેવા હોય છે. તેમણે પાલિકાને મૂર્તિ સોંપી દીધી અને હવે જાણે પોતે જ બધુ કરે છે તેવો દેખાડો કરે છે. જો કાકા એટલા જ સાચા હોય તો બધા નેતાઓ તો કાકાની વ્હારે આવ્યા પણ ધર્મગુરુઓ કેમ ના આવ્યા તે સમજવું જોઇએ. ભલામણ કરનારા કરોડપતિ શહેરનાં સિનિયર નેતાઓ-અન્ય સક્ષમ મોભીઓએ દર વર્ષે આ ખર્ચને વ્યક્તિગત વહેંચી લેવો જોઈએ.નવો ચીલો પડશે.નેતાઓ પ્રત્યે લોકોને આદર થશે.નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલી રહી છે.યોગેશ પટેલ એવું કઇ બોલ્યા નથી પણ આ સમગ્ર મામલામાં નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલી રહી છે. વિલાસીનીબેન જ્યારે કમિશનર હતા ત્યારે મૂર્તિની માલિકી પાલિકાને સોંપાઇ છે અને અત્યાર સુધીનો દર વર્ષે પાલિકાએ ખર્ચો ચુકવી દીધેલો છે. માત્ર 2023ના કાર્યક્રમના જ 88 લાખ આપવાના બાકી છે પણ હવે રાજકારણ ચાલી રહ્યું છે.
Reporter: admin