News Portal...

Breaking News :

રાજા રાણીની વાર્તાની માફક નોટિસ અને સિલ મારવામાં મનપાની વ્હાલી અને અણમાનીતી ની નીતિ...

2024-06-07 09:49:03
રાજા રાણીની વાર્તાની માફક નોટિસ અને સિલ મારવામાં મનપાની વ્હાલી અને અણમાનીતી ની નીતિ...


એક રાણી માનીતી અને બીજી રાણી અણ માનીતી...દુકાનો બંધ રહેતા રોજગાર પ્રભાવિત...રાજા રાણીની વાર્તાઓ બાળકોને ખૂબ ગમે.વળી વાર્તામાં રાજાને એક થી વધુ રાણીઓ હોય,અને આ  રાણીઓ માં એક રાણી માનીતી હોય અને બીજી રાણી અણમાનીતી હોય. માનીતીના માનપાનમાં કોઈ કસર નહિ અને અણમાનીતીની કોઈ કદર નહિ.



રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના પછી બહુમાળી મકાનો અને દુકાનોમાં અગ્નિ શમન સાધનોની વ્યવસ્થા,બિલ્ડિંગ યુઝ પરમિશન અને વિવિધ પરવાનગીઓની ચકાસણીની બાબતમાં મનપા ખૂબ સક્રિય બની છે અને આ બાબતમાં કડકાઈ દાખવવામાં આવી રહી છે.જો કે આમાં રાજા રાણીની વાર્તા જેવી વ્હાલા દવલાની નીતિ આચરવામાં આવતા વેપારી આલમમાં છુપા રોષ ની લાગણી ફેલાઇ છે.મનપાના અધિકારીઓ મનસ્વી રીતે નોટિસ આપવા અને સિલ મારવાની કામગીરી કરી રહ્યા હોવાનો બળાપો વ્યાપારી આલમમાં વ્યાપક બની રહ્યો છે.જે વ્હાલા છે એમને માત્ર નોટિસ આપીને મનપા સંતોષનો ઓડકાર ખાઇ લે છે.તો જે અળખામણા છે ત્યાં નોટિસની સાથે સિલ મારવામાં આવે છે.ક્યાંક આવા સિલ ચમત્કારિક રીતે બે ચાર કલાક કે એકાદ દિવસમાં ખુલી જાય છે.તો ક્યાંક બે ચાર દિવસ દુકાન બંધ રહે એવી સ્થિતિ સર્જાય છે.હવે દુકાન બંધ રહે તો એમાં નોકરી કરતા ગુમાસ્તા,સેલ્સમેન અને નોકર ચાકરની હાલત બગડી જાય છે.એમનો પગાર અને રોજગારી અટકી જાય છે.એક તરફ બેરોજગારી ચરમ ઉપર છે.ઊંચી લાયકાતવાળા ઓછા પગારે કામ કરવા મજબૂર છે.બીજી બાજુ વ્હાલા દવલાની આ નીતિથી સિલ મારવાને લીધે જેટલા દિવસ દુકાન બંધ રહે એટલા દિવસની રોજગારી અટકી જાય છે.પરિણામે મોંઘવારીમાં આવક અટકી જતાં સ્થિતિ કફોડી બની જાય છે.


આ સંજોગોમાં પાલિકાએ નિયમોનું પાલન પણ થાય અને બિન જરૂરી રોજીરોટી અને આવક અટકે નહીં એવો કોઈ મધ્યમ માર્ગ શોધવો પડે.ખાસ કરીને દુકાનદારો,મોલ,શાળા કોલેજો,કોચિંગ ક્લાસ અને હોટેલ ઇત્યાદિ માટે સિલ કરવાને બદલે કોઈ અલગ વ્યવસ્થા વિચારવી જોઈએ.ફાયર એન. ઓ.સી.અને બિલ્ડિંગ યુઝ પરમિશનની બાબતમાં વેપારીઓમાં ક્યાં તો અજ્ઞાનતા છે અને ક્યાં તો જાણીબૂઝીને સુરક્ષાના ભોગે ચલાવી લેવાની વૃત્તિ છે.બંને બાબતો નુકશાનકારક છે.બેદરકારીથી નાણાકીય નુકશાન થાય છે અને ગંભીર ઈજાઓ,મૃત્યુ કર્મચારી પરિવારનું અહિત થાય છે.શહેરના સયાજીગંજ વિસ્તારમાં અનેક હોટલો ,રેસ્ટોરન્ટ, કોમ્પલેક્ષ અને શેર બજારનાં બિલ્ડીંગ,બિન અધિકૃત રીતે ચાલી રહ્યા છે.અગ્નિ શમન સુવિધા ના નામે મીંડું છે.આ બધા સામે હવે મનપા એ લાલ આંખો કરી છે.પરંતુ તેમાં પણ કેટલાક ને માત્ર ચેતવણી આપીને છોડી મુકાય છે તો અન્યને નોટિસ થમાવી દઈને સિલ મારી દેવામાં આવે છે.કોઈ ચોક્કસ ધારાધોરણો લાગુ પડતાં નથી.આ બધી બાબતોમાં એક સુસંકલીત નીતિ બનાવીને અમલમાં મૂકવાની જરૂર છે. ચકાસણી દરમિયાન માપદંડો પ્રમાણે જે જે બાબતો ખૂટતી હોય એની ક્ષતિ પૂર્તિ કરાવીને દુકાન ધંધા ખોરવાય નહિ ,રોજગારી ચાલુ રહે અને સુરક્ષાને લગતા જોખમ ઘટે એની તકેદારી લેવાય એવી વેપારી આલમમાં અપેક્ષા છે.. સયાજીગંજનાં તમામ કોમ્પલેક્ષ, હોટેલ,રેસ્ટોરન્ટ, હોસ્પિટલ,બેંકો,શોરુમ વિ. કોમર્શિયલ મિલકતોની તમામ સંબધીત વિભાગે તપાસ કરવાની જરુર છે..


Reporter: News Plus

Related Post