મુંબઈ: ગુજરાતી સહિત દેશની અનેક ભાષાના ગીતોને સ્વર આપનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની તબિયત લથડી હોવાના અહેવાલ છે.
આશા ભોંસલેને સારવાર માટે સાઉથ મુંબઈમાં આવેલી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આશા ભોંસલેના સ્વાસ્થ્યના આ સમાચારથી લાખો ચાહકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. મળતી વિગતો અનુસાર, ભારતીય સંગીત જગતના દિગ્ગજ પ્લેબેક સિંગર આશા ભોંસલેને હાર્ટ એટેક (કાર્ડિઆક અરેસ્ટ) આવતા તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાનીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આશાજી હાલ હોસ્પિટલના 'ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ' (EMS) યુનિટમાં સારવાર હેઠળ છે અને નિષ્ણાત તબીબોની ટીમ તેમની તબિયત પર સતત દેખરેખ રાખી રહી છે.
આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર દેશમાં તેમના કરોડો ચાહકો અને બોલિવૂડ જગત તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યું છે.આશા ભોંસલેએ ગુજરાતી ફિલ્મો અને ગરબાઓમાં અનેક સદાબહાર ગીતો ગાયા છે, જેમાં "માડી તારું કંકુ ખર્યું", "સોના વાટકડી", અને "છેલાજી રે" સૌથી લોકપ્રિય છે. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં તેમણે 'મેંદી તે વાવી માળવે' જેવા અવિસ્મરણીય ગીતો આપ્યા છે.
Reporter: admin







