News Portal...

Breaking News :

મોબાઈલ ફોટા મુદ્દે બાપોદમાં યુવાન પર ખંજરથી હુમલો

2026-04-12 12:00:20
મોબાઈલ ફોટા મુદ્દે બાપોદમાં યુવાન પર ખંજરથી હુમલો



જૂની અદાવત રાખી ચાર શખ્સોએ કર્યો હુમલો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
બાબાદેવ મંદિર પાસે થયેલા હુમલા બાદ પોલીસ તપાસ શરૂ

શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલમાં રહેલા ફોટા મુદ્દે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં યુવાન પર ખંજરથી જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી રમેશ દેવા મઈડાએ નોંધાવ્યું છે કે તેમના ભાઈ કાળુ દેવા મઈડાના દીકરા અનિલના મોબાઈલમાં આરોપી રમણ વીરૂ મઈડાની બહેન ગુડ્ડીનો ફોટો હતો. આ મુદ્દે આરોપીએ બળજબરીપૂર્વક મોબાઈલ લઈ લેતા 10 એપ્રિલના સાંજે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. 

જોકે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.પરંતુ આ ઝઘડાની અદાવત રાખીને એ જ દિવસે રાત્રે આશરે 8:30 વાગ્યે બાબાદેવ મંદિર પાસે ચાર આરોપીઓએ મળીને હુમલો કર્યો હતો. આરોપીઓએ કાળુ દેવા મઈડાને પકડી રાખ્યા બાદ મુખ્ય આરોપી મકન પ્રભુ મઈડાએ ખંજર વડે છાતી, પેટ, કમર અને હાથ સહિત શરીરના વિવિધ ભાગોમાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ ઘટનામાં અન્ય આરોપીઓ રમણ વીરૂ મઈડા, ગમો બહાદુર મઈડા અને દિલેશ રાજુ મઈડાએ પણ હુમલામાં સહભાગી બની મદદગારી કરી હતી. ઘાયલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 109, 308(2) તેમજ જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઘટનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ. પસ્તાગીયા દ્વારા સંભાળવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post