વોશિંગ્ટન : ઈલોન મસ્કની કંપની ટેસ્લા અને તેના વાહનો તથા કારની ડિલરશિપ ધરાવતાં લોકોને ડાબેરીઓ દ્વારા અમેરિકામાં સતત હિંસાના લક્ષ્ય બનાવવામાં આવતાં ઇલોન મસ્કે આ હુમલાઓની પોડકાસ્ટ દ્વારા જાહેર ટીકા કરી છે તો ટ્રમ્પ વહીવટીતંત્રએ આ તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ધમકી આપવી પડી છે.
સિયેટલમાં અને લાસ વેગાસમાં એક સાયબર ટ્રક તથા કારને આગ ચાંપવામાં આવી હતી તો દેશભરમાં આવેલાં ટેસ્લાના શો રૂમ્સ અને ડિલરશિપ્સ પર મોલોટોવ કોકટેઇલ- એકપ્રકારના હાથબોમ્બ- ફેંકી હિંસક હુમલા કરવાની તથા ગોળીબાર કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની છે. સલામતિના કારણોસર કેનેડામાં ઇન્ટરનેશનલ ઓટો શોમાંથી પણ ટેસ્લાને દૂર કરાઇ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી ઈલોન મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી-ડોજે-નો વડો બનાવ્યો તે પછી મસ્કે ભરેલાં પગલાંથીનારાજ લોકો દ્વારા ટેસ્લા પર થતાં હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે.
પ્રમુખ ટ્રમ્પની પહેલી મુદત દરમ્યાન તેમની ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં આવેલી સંપત્તિઓ તેમની સામે વિરોધ કરવાના સ્થળો બની ગયા હતા. હવે ટ્રમ્પની બીજી મુદતમાં આ ભૂમિકા ટેસ્લાને ફાળે આવી છે. મસ્કના ટીકાકારોએ નોર્થ અમેરિકા અને યુરોપમાં ટેસ્લાની ડિલરશિપ્સ અને ફેકટરીઓ સામે ડઝનબંધ શાંતિપૂર્ણ દેખાવો યોજ્યા છે. એક યુએસ સેનેટર સહિત ઘણાં ટેસ્લા વાહનોના માલિકોએ તેમના વાહનો વેચવા કાઢ્યા છે. જેને કારણે સેકન્ડ હેન્ડ સાયબર ટ્રકના ભાવમાં આઠ ટકાનો ઘટાડો થયો છે.સેકન્ડ હેન્ડ કારના ભાવોની યાદી પ્રકાશિત કરતા કારગુરૂ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે ટ્રમ્પે સત્તા સંભાળી તે પછી ટેસ્લાના વાહનોના ભાવમાં ઘટાડો થયો છે.
Reporter: admin







