વડી કચેરીમાં ફાયર સેફ્ટીનો ધજાગરો
લો-પ્રેશર બોટલ બાદ મોડું જાગરણ, 8 નવા ગેસ સિલિન્ડર લગાવાયા..
50 ઓફિસોમાં અકાર્યક્ષમ ફાયર સાધનો, હજારો અરજદારો જોખમમાં

દુર્ઘટના બાદ જ એક્શનમાં આવતો ફાયર વિભાગ?..
વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડી કચેરીમાં ફાયર સેફ્ટી મુદ્દે ફાયર વિભાગનું મોડું જાગરણ સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ ફાયર વિભાગ દ્વારા વડી કચેરીમાં ફાયર બોટલ અને અન્ય ફાયર સેફ્ટી સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સ્થળોએ ફાયર ગેસ સિલિન્ડર લો પ્રેશરવાળા તેમજ સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર ખામીઓ બાદ આજે તાત્કાલિક અસરથી આઠ જેટલા નવા ફાયર ગેસ સિલિન્ડર લગાવવામાં આવ્યા હતા.ફાયર વિભાગે પાલિકાની અંદાજે 50 જેટલી ઓફિસોમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન અનેક ફાયર ગેસ સિલિન્ડરો અકાર્યક્ષમ હાલતમાં હોવા છતાં લાંબા સમયથી અવગણના કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે આ કચેરીમાં દરરોજ શહેરમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને પક્ષકારો આવે છે, તેમ છતાં તેમની સલામતી સાથે બેદરકારી રાખવામાં આવી રહી હતી.શહેરમાં ફાયર વિભાગ દ્વારા જો વ્યાપક તપાસ કરવામાં આવે તો મોટાભાગની સરકારી અને અર્ધસરકારી કચેરીઓ ફાયર સેફ્ટી મુદ્દે અસુરક્ષિત હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવે છે. સરકારી કચેરીઓમાં જાહેર રેકોર્ડ અને મહત્વના દસ્તાવેજો સંગ્રહિત હોય છે, છતાં ફાયર સેફ્ટીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે.હાઇકોર્ટના આદેશ મુજબ ફાયર સેફ્ટીના નિયમો ગુજરાતના તમામ શહેરોમાં ફરજિયાત હોવા છતાં વડોદરામાં હાઇરાઇઝ બિલ્ડિંગો, સ્કૂલો, કોલેજો, હોટલ, રેસ્ટોરન્ટ, જિમ અને બેંકોમાં પણ ફાયર સેફ્ટીના સાધનો વગર જ ધંધા અને કામગીરી ચાલી રહી હોવાનું જગજાહેર છે. દુર્ઘટના સર્જાય ત્યાર બાદ જ ફાયર વિભાગ હરકતમાં આવે છે, તેવો આક્ષેપ સતત થઈ રહ્યો છે.હાલમાં ફાયર વિભાગ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના આધારે ચાલી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વડી કચેરી જેવી મહત્વની સરકારી ઇમારતમાં જો આ સ્થિતિ હોય તો અન્ય કચેરીઓ અને જાહેર સ્થળોની સ્થિતિ કેટલી ગંભીર હશે તેવો સવાલ જનમાનસમાં ઉઠી રહ્યો છે.
ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર બેફામ! નકલી NOC, ખરીદી કૌભાંડ છતાં સસ્પેન્શનથી આગળ કાર્યવાહી કેમ નથી?
ફાયર સેફ્ટીના મુદ્દે વડોદરામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નકલી ફાયર એનઓસી, ફાયર સાધનોની ખરીદીમાં વ્યાપક કૌભાંડો અને નિયમોની ખુલ્લેઆમ અવગણના વર્ષોથી ચાલી રહી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હોય કે સ્થાયી ચીફ ફાયર ઓફિસર—મોટાભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થતા આવ્યા છે. છતાં જવાબદારી નિશ્ચિત કરવાની જગ્યાએ માત્ર દેખાવડી કાર્યવાહી તરીકે સસ્પેન્શન સુધી જ મામલો સીમિત રાખવામાં આવે છે. પોલીસ ફરિયાદ, ગુનાહિત કાર્યવાહી કે સરકારી નાણાંની રિકવરી કરવાની હિંમત તંત્ર બતાવતું નથી.ફાયર સેફ્ટી કોઈ કાગળી પ્રક્રિયા નહીં પરંતુ હજારો લોકોના જીવ સાથે જોડાયેલો મુદ્દો છે. ખોટી એનઓસીના આધારે હાઇરાઇઝ બિલ્ડિંગો, હોટલો, સ્કૂલો અને ઉદ્યોગો ધમધમતા રહે છે અને દુર્ઘટના સર્જાય ત્યારે જવાબદારી કોઈ લેતું નથી. જ્યાં સુધી દોષિત અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી, પોલીસ ફરિયાદ અને નાણાકીય વસૂલી કરવામાં નહીં આવે, ત્યાં સુધી ફાયર વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ થવાનો નથી.
Reporter: admin







