નવી દિલ્હી : આજે મોડી રાત્રી મંત્રાલયોની ફાળવણીની યાદી જાહેર થઈ શકે છે. ગઈકાલે 30 કેબિનેટ મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્યમંત્રીઓએ શપથગ્રહણ કર્યા હતા. સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે, ભાજપ મહત્વના મંત્રાલયો નાણાં, ગૃહ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય પોતાની પાસે જ રાખશે. જ્યારે અન્ય મંત્રાલયોમાં એનડીએના સાથી પક્ષોનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ભાજપના 25 અને સાથી પક્ષોના પાંચ મંત્રીઓને મંત્રી પદ ફાળવવામાં આવ્યા છે.
આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી 2.0 સરકારની આગેવાની હેઠળ 4.21 કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.
કેબિનેટની બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓમાં ઉપસ્થિત સરકારી કર્મચારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે આવનારા વર્ષોમાં વૈશ્વિક માપદંડો પર પણ કામકરવાનું છે. જ્યાં કોઈ પહોંચ્યું નથી, ત્યાં આપણે આપણા દેશનો પહોંચાડવાનો છે.
Reporter: News Plus