વડોદરા : ડ્રગ્સના દૂષણને ડામવા ફરી એક વખત શહેર પોલીસ એક્શનમાં આવી છે. અગાઉ ખાસ ડ્રાઈવ પણ કરવામાં આવી હતી.

જોકે ડ્રગ્સનો વેપલો કરતા સોદાગરો હજી પણ બાજ આવતા ન હોય ત્યારે એસઓજીએ આવા તત્વો સામે લાલ આંખ કરી છે. મોડી રાત્રે યાકુતપુરા વિસ્તારમાં રેડ કરી નશીલા સીરપની બોટલો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. વડોદરામાં ડ્રગ્સના દૂષણને ડામવા અગાઉ પોલીસે ખાસ ડ્રાઈવ કરી હતી. ઠેર ઠેર મેડિકલ સ્ટોર સહિતના એકમોમાં ચેકીંગ કર્યું હતું. અને કડક હાથે કાર્યવાહી કરી હતી. જોકે હજી પણ નશેબાજોને નશીલા દ્રવ્યો પૂરું પાડવા માટે કેટલાક મોતના સામાનનો વેપલો કરતા સોદાગરો તેમની અસામાજિક પ્રવૃત્તિથી બાજ આવતા ન હોય એસઓજી પોલીસે ફરી એક વખત ડ્રાઈવ શરૂ કરી છે. દરમિયાન મોડીરાત્રે યાકુતપુરા વિસ્તારમાં રેડ કરી હતી.

મિનારા મસ્જિદની ગલીમાં આવેલા એક મકાનમાં એસઓજી પોલીસે ધામાં નાખ્યા હતા. રેડ દરમિયાન એક મકાનમાંથી નશીલા પ્રતિબંધિત સીરપની બોટલો મળી આવી હતી. આ રેડમાં એસઓજી દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. કોડેન નામની સીરપ ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મકાનમાંથી SOGએ એક શખ્સની અટકાયત પણ કરી છે. એસઓજી પોલીસે આ જથ્થો ક્યાંથી લાવ્યો, કોને આપવાનો હતો અને કોણે આપ્યો તે દિશામાં આગળની તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું.



Reporter: admin