બિલાસપુર : હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલૂઘાટ નજીક બુધવારે મોડી સાંજે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં એક બસ તેની ઝપેટમાં આવી હતી, જેના કારણે અનેક લોકોના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર, બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કાટમાળ હટાવવા અને દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. બસમાં 25થી 30 મુસાફરો સવાર હોવાનો અંદાજ છે.JCBની મદદથી બસને તોડીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા. જેમાં મોડી રાત સુધીમાં 18 મૃતદેહોને બહાર કઢાયા હતા, જ્યારે 2 બાળકો સહિત 3ને જીવતા બહાર કઢાયા હતા. બસમાં કેટલા મુસાફરો સવાર હતા તેનો આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો.
હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે.આસપાસના લોકો પણ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે અને જલ્દીથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. X પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું કે, "હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનને કારણે થયેલી બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."મુખ્યમંત્રી સતત જિલ્લા તંત્રના સંપર્કમાં છે અને તેમણે રાહત અને બચાવ કામગીરીમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે.
Reporter: admin







