બે શિક્ષકો અને બાર વિદ્યાર્થીઓ નો આત્મા તમને જંપવા દેશે??
એક કહેવત ખૂબ પુરાણી છે.પણ ભૂદેવોની લાગણી દુભાવનારી છે એટલે એને થોડીક બદલીને ટાંકીએ.વિદ્યાર્થીઓ ડુબો કે એમની શિક્ષિકાઓ મરો, કોટિયાનું તરભાણું ભરો.
સ્માર્ટ સિટીની જીવલેણ ભેટ જેવા લેક ઝોન અને તેના સંચાલકોને આ કહેવત ખૂબ સચોટતાથી લાગુ પડે છે.
આ લોકો એટલા બધા વ્યવહારુ કે જે કામના હોય એ કોઈને જરાય ઓછું આવવાના દે.અને બદલામાં તેમની પાસે ધાર્યું કામ કઢાવી લે.આ લોકોનો વાટકી વ્યવહારનો સંબંધ રાજ નેતા,ધર્માધિકારી અને ગણવેશધારી કે ગણવેશ વગરના સત્તાધિકારી બધાની સાથે.બધા પરસ્પરના લાભાર્થી અને એકબીજાને સાચવી લેનારા.તારા હિતોની કાળજી હું લઈશ અને મારા હિતો તું સાચવી લે જે એવી પરફેક્ટ સમજણ એમના વ્યવહારનો પાયો.
ન્યૂઝ પ્લસ પાસે એકસોથી વધુ ફોટા છે જેમાં લેક ઝોનના સંચાલકો અને આ કાંડના તપાસ અધિકારીઓ,અન્ય IPS પોલીસ અધિકારીઓ,વહીવટી અઘિકારીઓ, ધર્માધિકારીઓ અને તળિયાથી ટોચ સુધીના નેતાઓ આવી જાય.આ લોકો સાથેના વ્યવહારમાં સંચાલકો ખૂબ ચોક્ખા હશે એટલે લગભગ બધાનો પ્રેમ અને પીઠબળ એમને સતત મળ્યાં.
લેક ઝોન ફન એન્ડ ફૂડના ઉદઘાટનની પત્રિકા પોતે જ ખૂબ બોલકી અને સહુનો સાથ સહુનો વિકાસની સાક્ષી પુરનારી છે.
પત્રિકાના નીમંત્રકો કોટીયા ફૂડ્સ અને વૈશાખી કોર્પોરેશનના બિનીત અને હિતેશ કોટીયા તેમજ પરેશ અને વત્સલ શાહ છે એટલે સંચાલનમાં શરુઆતથી જ તમામની સામેલગીરીનો સંકેત મળે છે.
આશીર્વાદ પ્રદાતા શ્રી વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં આ સુવિધાનું લોકાર્પણ તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને તત્કાલીન મેયર જિગીષાબેન શેઠે કર્યું. જ્યારે ઉદઘાટન સમારંભની પ્રેરક ઉપસ્થિતિમાં તત્કાલીન સાંસદ રંજનબેન, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી મનીષાબેન,યોગેશભાઈ, જીતુભાઈ,સીમાબેન, મધુભાઈ,શૈલેષભાઈ ઉપરાંત ભરૂચના શ્રી દુષ્યંત પટેલ,શાસક પક્ષના તે સમયના સંગઠનનાં પદાધિકારી ભાર્ગવ ભટ્ટ,અગ્રણી શ્રી જીવરાજ ચૌહાણ અને સતીશ પટેલ તથા તે સમયના મ્યુ.કમિશનર શ્રી અજય ભાદુ બધાના નામ પત્રિકામાં છાપી કાઢ્યા છે.સ્વાભાવિક છે કે જેના નામ છે એમની સંમતિ તો લીધી જ હશે.
અને સંચાલકોની વ્યવહાર કુશળતા જુવો. વિપક્ષમાં હોય તેવા કોઈ નેતાનું નામ ભૂલ ચૂક લેવી દેવી કહીને પણ નથી લખાયું.ઉગતા સુરજની પૂજા જે લાભદાયક બને એવી સ્પષ્ટ સમજણ ઝલકે છે.
તપાસ માટે સીટની રચના કરવામાં આવી.એના સુકાની સાથે સારો એવો ઘરોબો.પછી તપાસ અધિકારી ભલે નખશિખ પ્રમાણિક હોય આંગળી તો ચીંધાય.બહેતર એ લેખાત કે જે રીતે અદાલતોમાં જજ સાહેબો કેટલાક કેસોને નિષ્પક્ષતા ના હિતમાં not before me કરે છે એ રીતે વિનય પૂર્વક તપાસ કોઈ અન્યને સોંપવાનું કહેવામાં આવ્યું હોત.
મનપાની કરોડોની કિંમતી સંપત્તિ પાણી જેવા વળતર માટે ૩૦ વર્ષના પટ્ટે સોંપી દેવું એ ખૂબ હિંમતનું કામ ગણાય.આ હિંમત બેધડક બતાવવામાં આવી છે.
રાજ્યની વડી અદાલતને તપાસ થી સંતોષ નથી થયો. કહેવાય છે કે સીઝરનો સાળો શંકાથી પર હોવો જોઈએ. અહીં કલેકટર કે મ્યુ.કમિશનર કે ડે.મ્યુ.કમિશનર ,કોઈનો તપાસ અહેવાલ શંકાથી પર નથી.
એક બીજાને સાચવી લેવાની પ્રમાણિકતા આ સિવાયના કોઈ કેસમાં ભાગ્યેજ જોવા મળે.પણ બધા જ ભૂલી ગયા કે પાણીમાં ગુંગળાઈને જાન ગુમાવનારા બે શિક્ષિકા અને બાર માસૂમ વિદ્યાર્થીઓનો આત્મા અને વાલીઓની વેદના તમને ચેનથી જીવવા નહિ જ દે.
ભ્રષ્ટાચાર કરનારાઓ સામે આકરા પગલા લેવાનાં હુકમ થશે?
નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી PILમાં વચગાળાનો હુકમ થયો છે કે પ્રિન્સિપલ સેક્રેટરી ,અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ( શહેરી વિકાસ વિભાગ) એ ઇન્કવાયરી કમિટી બનાવવાની રહેશે અને મ્યુનિસિપલ કમિશનર સહીતનાં જવાબદાર અધિકારીઓની સામે તપાસ કરી, એ રિપોર્ટ બે મહિનામાં નામદાર હાઇકોર્ટને આ કામે રજૂ કરવાનો રહેશે.આશા છે કે સત્ય બહાર આવે.ભોગ બનેલાઓનાં પરિવારોને ન્યાય મળે.રીપોર્ટનાં આધારે સહિયારા ભ્રષ્ટાચાર કરનારાઓ સામે આકરા પગલા લેવાનાં હુકમ થશે.
હવે પછીની સુનવણી તા.૨૭-૬-૨૪નાં રોજ થશે.અન્ય મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા થશે.કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ-નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.
Reporter: News Plus