News Portal...

Breaking News :

વડતાલ ધામમાં ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ સંપન્ન ૫૦ હજારથી વધુ ભક્તોએ રંગોત્સવનો લાભ લીધો

2025-03-15 17:57:05
વડતાલ ધામમાં ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ સંપન્ન ૫૦ હજારથી વધુ ભક્તોએ રંગોત્સવનો લાભ લીધો


ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ધામ ખાતે તા.૧૪ માર્ચના રોજ નરનારાયણદેવનો પ્રાગટ્ય મહોત્સવ તથા ભગવાન સ્વામિનારાયણે વડતાલ જ્ઞાનબાગમાં ૨૦૯ વર્ષ પૂર્વે ઉજવેલ રંગોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક હજ્જારો સંતો-ભક્તોની વચ્ચે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ભગવાન હરિએ સ.ગુ. નિષ્કુળાનંદસ્વામી તથા કરજણના મિસ્ત્રીએ તૈયાર કરેલ બારબારણાના હિંડોળે બાર સ્વરૂપે દર્શન આપી પોતાનું પરમેશ્વરપણું જણાવ્યું હતું. આ દિવ્ય પરંપરાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના વડતાલ ખાતે ઉજવાયેલ સૌથી મોટા રંગોત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામીએ જણાવ્યું હતું કે ૫૦ હજાર ચોરસ ફૂટના વિશાળ રંગ મંડપમાં ૫૦ હજારથી વધુ સ્ત્રી-પુરૂષ હરિભક્તો હરિના પ્રસાદીના રંગે રંગાવવા કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. આ દિવ્ય રંગોત્સવની ઉજવણી પહેલા બ્રહ્મચારી પ્રભાનંદજીએ રંગોત્સવની કથાનું સુમધુર રસપાન કરાવ્યું હતું. પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સભામાં ઉપસ્થિત રહી ઉપસ્થિત ભક્તોને રંગભીના આર્શીવાદ પાઠવ્યા હતા. રંગોત્સવના યજમાન રમેશભાઇ જીવરાજભાઇ ધાનાણી (યુ.એસ.એ.) તથા વિનોદભાઇ પટેલે આચાર્ય મહારાજ તથા સ્ટેજ પર ઉપસ્થિત સંતોનું તથા વક્તાનું ફુલહારથી પુજન કર્યું હતું. સમારંભમાં વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમ પ્રકાશદાસજીસ્વામી, શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી, ધર્મજીવનસ્વામી, હરિઓમ સ્વામી, પી.પી.સ્વામી (સુરત), સૂર્યપ્રકાશ શાસ્ત્રી, સંતબાલસ્વામી, વલ્લભસ્વામી, ધર્મનંદનસ્વામી (ખંભાત) જ્ઞાનપ્રકાશસ્વામી (વીરસદ), બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, હરિકૃષ્ણાનંદજી સહિત મોટી સંખ્યામાં સંતો પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા. સુરત રામપુરા મંદિરના કોઠારી પી.પી.સ્વામીએ હરિએ ૨૦૯ વર્ષ પૂર્વે વડતાલ જ્ઞાનબાગમાં ઉજવેલ રંગોત્સવની ઝાંખી કરાવી હતી. તથા સંપ્રદાયના ફુલદોલનો મહિમા વર્ણવી હરિભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા. 




આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજીસ્વામીએ નરનારાયણ જયંતિનો મહિમા વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીહરિ દ્વારા જે ઉત્સવને અમૂલ્ય માનવામાં આવ્યો છે તે રંગોત્સવ હરિએ ૨૦૯ વર્ષ પૂર્વે વડતાલ જ્ઞાનબાગમાં બે આંબાની વચ્ચે સ.ગુ.નિષ્કુળાનંદસ્વામી તથા કણજરના મિસ્ત્રીએ તૈયાર કરેલ બાર બારણાના હિંડોળામાં બિરાજી પોતાનું પરમેશ્વર પણુ તત્કાલીન સમયે ઉપસ્થિત ૩ લાખથી વધુ ભક્તોને જણાવ્યું હતું. આચાર્ય મહારાજ તથા સહુ સંતોએ આકાશમાં ફુગ્ગા ઉડાવી રંગોત્સવનો શુભારંભ કર્યો હતો. આચાર્ય મહારાજ તથા સૌ સંતોએ સભામંડપમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજનું પુષ્પ પાંદડીઓથી પુજન કરી આરતી ઉતારી હતી. પ.પુ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ શ્વેતવસ્ત્રોને પાઘ ધારણ કરી રંગમંચ પર પધારતા સહુ હરિભક્તોએ જય સ્વામિનારાયણ અને તાળીઓના ગડગડાટ સાથે શુભકામના પાઠવી હતી.વિવિધ રંગો દ્વારા ૨૫૦ થી વધુ કલરના વિસ્ફોટો સાથે સમગ્ર પરિસર રંગ છાયુ બની ગયું હતું. સાથે સાથે પ્રસાદીના કેસુડાના રંગ છાંટણા કરાતા ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપી જવા પામ્યો હતો.રંગોની છોળો ઉડાડવા અમદાવાદના કલર વિસ્ફોટ નિષ્ણાત મહેશકુમાર પારીક ઉપકરણો સાથે વડતાલ પધાર્યા હતા. થોડીથોડી વારે કરાતા અલગ અલગ  રંગ વિસ્ફોટકોને કારણે સમગ્ર પરિસર સપ્તરંગી બની ગયું હતું. આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રી, ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, સત્સંગમહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, શ્યામવલ્લભસ્વામી તથા ધર્મનંદનસ્વામી, પૂ.મોટા લાલજી સૌરભ પ્રસાદ દાસજી સહિત સંતોએ હરિભક્તો પર રંગ છટકાવ કરી તેમને ભાવથી ભીજવ્યા હતા.



રંગોત્સવની સાથે સાથે (બોક્સ)
- મોટી પીચકારીઓ  વડે આકાશમાં ઉડતી રંગબેરંગી જલધારા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
- રંગોત્સવ પૂર્વે વડતાલ બાળ મંડળના બાળકોએ નૃત્ય રજુ કરી સૌના દિલ જીતી લીધા હતા.
- રંગ ઉત્સવમાં યુવાધન સંગીતના સથવારે મનમુકીને ઝુમ્યુ હતું.
- રંગોત્સવમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ, તથા ભુમેલ હરિયાળા, વિદ્યાનગર છાત્રાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
- ૨૫૦ થી વધુ ૭૦ થી ૮૦ ફૂટ ઉંચા વિવિધ કલરના બ્લાસ્ટ કરાયા
- ૫ હજાર કિલો કેસુડાના પુષ્પ
- ૨ હજાર કિલો ગુલાબની પાંદડીઓ
- ૧ હજાર કિલો હજારી ફુલની પાંદડીઓ
- ૧ હજાર કિલો સેવંતીના ફુલની પાંદડીઓનો ઉપયોગ કરાયો હતો.
- ૫ હજાર કિલો ચોકલેટ
- ૨ હજાર કિલો ધાણી-ચણા ખજુરનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post