ડભોઈ તાલુકાના નાનકડાં કરણેટ ગામનાં પૂર્વ સરપંચ નિતિન પટેલ દ્વારા નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવનાર અને કરણેટ ગામની ભાણી સંગીતા વસાવા નામની આદિવાસી સમાજની દિકરીને પોતાની જ દિકરીની જેમ પાલન પોષણ કરી, ઉછેરીને મોટી કરી હતી જેને આજે હિંદુ સમાજનાં રીતરિવાજ પ્રમાણે સારાં ઘરે પરણાવી તેનાં ભાવીને ઉજજવળ બનાવવાનું અને સમાજને પ્રેરણાદાયક માનવતાનું કાર્ય કર્યું હતું. જેની સમગ્ર પંથકમાં ખૂબ જ પ્રશંસા થવા પામી હતી.
દિકરીએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી
આ દિકરી સંગીતા વસાવા આજે સામાજિક રીતે લગ્ન બંધનમાં બંધાવવા જઇ રહી છે, ત્યારે નાનકડા કરણેટ ગામમાં રહેતાં પૂર્વ સરપંચ નિતિન પટેલની ગામ લોકો પ્રશંસા કરી રહયા છે, કારણકે આ દિકરીએ તો નાની ઉંમરમાં જ પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને તે પોતાની માતાની સાથે પોતના મોસાળ એટલે કે, કરણેટ ગામમાં રહેવા લાગી હતી. જયાં તેની માતા ગામનાં પૂર્વ સરપંચ અને પરગજુ એવાં નિતિનભાઈ પટેલને ત્યાં ઘરકામ કરી પોતાનો જીવન ગુજારો કરતાં હતાં. પરંતુ આ દિકરીની ઘગશ અને લાગણીએ તેને નિતિનભાઈ પટેલનાં ઘરનાં કાયમી સભ્ય તરીકે સ્થાન અપાવી દીધું હતું. નિતિનભાઈના પરિવારે આ દિકરીના સંસ્કાર અને હુન્નરને ઓળખી લીધાં
પૂર્વ સરપંચ નિતિનભાઈ પટેલ વ્યવસાયે ખેડૂત છે અને તેમનાં પત્ની નજીકનાં ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે અને તેમના પરિવારમાં સંતાનમાં એક દિકરી છે. સરપંચના પરિવારે આ નાનકડી આદિવાસી દિકરીના સંસ્કાર અને હુન્નરને ઓળખી લીધાં હતાં અને તેનાં પરિવારનાં સભ્ય તરીકે સ્થાન આપી દીધું હતું અને તેને મોટી કરવામાં દિકરીની માતા સાથે જોડાઈ ગયાં હતાં. સમય જતાં આ દિકરીની માતાએ તેમના આદિવાસી સમાજમાં પુનઃ લગ્ન કરી લીધાં હતાં. પરંતુ આ નાનકડી આદિવાસી કન્યાએ પૂર્વ સરપંચના ઘરને પોતાનું મોસાળ માની લીધું હતું અને ત્યાં જ રહેવા લાગી હતી અને નિતિનભાઈ પટેલને પોતાના સગા મામાનું સ્થાન આપી દીધું હતું.
સરપંચનો પરિવાર જયાં જાય ત્યાં આ દિકરીને સાથે જ લઈ જતો
" રામ રાખે તેને, કોણ ચાખે " એમ કુદરતનાં દરબારમાં જયારે એક દરવાજો બંધ થાય છે, ત્યાં દશ દરવાજા ખુલે છે, એ ન્યાયે કરણેટ ગામનાં વતની અને સામાજિક સેવાનાં ભેખધારી નિતિન પટેલના પરિવારે આ બાળકીને સાચવવા, ઉછેર કરવાની કુદરતને સાક્ષી રાખી જવાબદારી લઈ લીધી હતી અને આ પરિવાર જયાં પણ જાય ત્યાં આ દિકરીને પરિવારનાં સભ્ય તરીકે સાથે જ રાખતાં. પરિવાર જયારે બહાર ફરવા જાય તો પણ તેને સાથે લઈ જતાં. આમ, આ આદિવાસી સમાજની દિકરી સંગીતા વસાવાને સ્વર્ગ સમાન મોસાળ મળી જતાં તે ભણી ગણીને મોટી થતી જતી હતી.
Reporter: News Plus