લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે, એવામાં બિહારમાં ચોંકાવનારી ઘટના બની છે. બિહારની રાજધાની પટનાના પુનપુન વિસ્તારમાં જનતા દળ યુનાઈટેડ(JDU)ના નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા થતા ચકચાર ફેલાઈ ગઈ છે. આ ઘટનાને કારણે ચુંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા થયા છે. બિહારમાં આ વખતે સત્તારૂઢ JDUના નેતાની જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ નેતા સમર્થકો રોષે ભરાયા છે, લોકોએ પટના-પુનપુન રોડ બ્લોક કરીને હોબાળો મચાવ્યો છે.ઘટનાની જાણકારી મુજબ JDUના નેતા સૌરભ કુમારની પટનાના પુનપુન વિસ્તારના પાઈમાર ગામ પાસે બેલડિયા પુલ પાસે ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી હતી. ફાયરિંગમાં તેમના એક મિત્ર મુનમુન કુમાર ઘાયલ થયા છે. તેમને સારવાર માટે પટનાની કાંકરબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેની હાલત નાજુક હોવાના અહેવાલ છે.ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર આવી ગયા હતા. લોકોએ પટના-પુનપુન રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લોકોને શાંત કરવાના પ્રયાસ કર્યા હતા. સ્નિફર ડોગ્સ સાથે ફોરેન્સિક સાયન્સ ટીમને સ્થળ પર પહોંચી હતી.
અહેવાલ મુજબ JDU નેતા સૌરભ કુમાર બુધવારે મોડી રાત્રે બધૈયા કોલ ગામમાં તેમના મિત્ર અજીત કુમારના ભાઈની રિસેપ્શન પાર્ટીમાં ગયા હતા. રાત્રે લગભગ 12 વાગે તેઓ મિત્ર મુનમુન કુમાર સાથે રિસેપ્શન પાર્ટીમાંથી શિવ નગર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. સૌરભ કુમાર પોતાની કારમાં બેઠા હતા ત્યારે હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા અને ગોળીઓ ચલાવી.સૌરભ કુમારને માથામાં અને મિત્ર મુનમુન કુમારને પેટ અને હાથમાં ગોળી વાગી હતી. ગોળી મારી હુમલાખોરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ફાયરિંગની માહિતી મળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડૉક્ટરે સૌરભ કુમારને મૃત જાહેર કર્યા, જ્યારે ઈજાગ્રસ્ત મુનમુન કુમારને પટનાના કાંકરબાગ સ્થિત ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત નાજુક છે.બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હંમેશા વિવાદનો વિષય રહી છે. પરંતુ આ મામલો મહત્વનો થઈ ગયો છે કારણ કે આખા દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ચૂંટણીના માહોલને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે, તેથી આ ઘટનાથી તણાવ વધી ગયો છે.
Reporter: News Plus