પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં પાકિસ્તાનને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર ભાલાફેંકના ઍથ્લીટ અર્શદ નદીમ પર પાકિસ્તાનમાં સૌ કોઈ આફરીન છે.
તેણે ભાલો 92.97 મીટર દૂર ફેંકીને ઑલિમ્પિક રેકૉર્ડ કર્યો તેમ જ ભારતના ઍથ્લીટ તેમ જ તેના મિત્ર નીરજ ચોપડા (89.45 મીટર, સિલ્વર મેડલ)ને ગોલ્ડ મેડલથી વંચિત રાખ્યો એને લઈને નદીમ આખા પાકિસ્તાનમાં હીરો થઈ ગયો છે. તેને કુલ મળીને 15 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું છે તેમ જ તેને સોનાનો મુગટ પણ પહેરાવવામાં આવશે.પાકિસ્તાન પહેલી વાર ઑલિમ્પિક્સમાં વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. પાકિસ્તાનને 32 વર્ષે પહેલી વાર ઑલિમ્પિક મેડલ અને પ્રથમ વાર એથ્લેટિક્સનો મેડલ મળ્યો છે.પંજાબ પ્રાન્તના મુખ્ય પ્રધાન મરયમ નવાઝે 27 વર્ષના નદીમ માટે 10 કરોડ રૂપિયાનું ઇનામ શુક્રવારે જાહેર કર્યું હતું.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની સિંધ સરકારે નદીમ માટે પાંચ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે, જ્યારે સુક્કુર શહેરના મેયરે જાહેર કર્યું છે કે તેઓ નદીમનું ‘સોનાનો મુગટ’ પહેરાવીને સન્માન કરશે.નવાઝે જાહેર કર્યું હતું કે પંજાબ પ્રાન્તમાં નદીમના હોમટાઉન ખાનેવાલમાં એક સ્પોર્ટ્સ સિટી ઊભી કરવામાં આવશે અને એને અર્શદ નદીમનું નામ અપાશે.અર્શદ નદીમ ખૂબ ગંભીર આર્થિક મુશ્કેલીમાં સંઘર્ષ કરીને ઑલિમ્પિક્સ જેવા સર્વોચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે. 2022માં કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ અને 2023માં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો સિલ્વર મેડલ જીત્યા પછી પણ તેણે પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં પ્રૅક્ટિસ માટે ભાલો ખરીદવા મદદ માગવી પડી હતી, કારણકે તેનો વર્ષો જૂનો ભાલો ખરાબ થઈ ગયો હતો.
Reporter: admin