News Portal...

Breaking News :

વડતાલધામમાં અતિવૃષ્ટિમાં ફુડપેકેટની સેવા સાથે કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી

2024-08-30 17:27:51
વડતાલધામમાં અતિવૃષ્ટિમાં ફુડપેકેટની સેવા સાથે કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી


વડતાલ:  સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિને કારણે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો.જન્માષ્ટમી મહોત્સવના યજમાન તુષારભાઈ નવનીતભાઈ પટેલ ,વિયાન તથા હયાન પરિવાર મોગરીના યજમાન પદે ઊજવાયો હતો. 


આ પ્રસંગે માનસ સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું. સોમવારે વહેલી સવારથી ચાલુ થયેલ મેઘરાજા અવિરત વરસતા મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી છતાં બાળધુન યુવક મંડળ,બાળ -બાળિકા મંડળ દ્વારા વરસતા વરસાદમાં રાસની રમઝટ બોલાવી ઉપસ્થિત હરિભક્તોના દિલ જીતી લીધા હતા.પુજય ગુરુઓમાં સ્વામીએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાયજી મહારાજનો મહિમા વર્ણવ્યો હતો. ભગવાન હરિએ ૨૦૦ વર્ષ પૂર્વે સ્વહસ્તે આ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ તથા ભક્તોની મુક્તિ અને ભુક્તિ માટે પોતાનું હરિ કૃષ્ણ મહારાજ સ્વરૂપ સ્વહસ્તે પધરાવ્યું હતું.


જેને આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમિયાન ૨૦૦ વર્ષ પૂર્ણ થનાર છે. વડતાલ ટેમ્પલ કમિટી તથા આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના લાખો સત્સંગીઓ મહોત્સવની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વડતાલ મંદિરના સંતો દ્વારા દેશ વિદેશમાં ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. જ્યારે ભારતમાં શહેરે- શહેરે "આપણા મહારાજ આપણો મહોત્સવનો આમંત્રણ રથ ગામડે ગામડે હરિભક્તોને આમંત્રણ પાઠવવા ફરી રહ્યો છે. શ્યામ સ્વામીએ વડતાલ મહિમા કહેતા જણાવ્યું હતું કે, આ મંદિરના પાયામાં ૯ લાખ ઈંટો વપરાઇ છે અને જેનું નિર્માણ ખુદ બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે અને વિશેષ મહત્વની બાબત એ છે કે, આજ સર્વત્ર અતિવૃષ્ટિ થઈ રહી છે. આપણા મહોત્સવનું ગ્રાઉન્ડ તળાવ જેવું થઈ ગયુ છે પરંતુ આપણે મક્કમતાથી અસરગ્રસ્તોની સેવામાં રહેવાનુ છે. કોઠારી સ્વામી વિદેશયાત્રાએ છે. એમનો સંદેશ આવ્યો છે કે , આપણે સહુએ યથાશક્તિ સેવા કરવાની છે. મંદિરો સંસ્થા સેવા કાર્યમાં જોડાયેલ છે.આપણે વડતાલ મંદિરમાં હાલ ૨૦૦ સ્વયંસ્વકોની ટીમ ભોજન પ્રસાદ ના પેકેટની તૈયારી રહી રહ્યા છે. પાંચ હજાર લોકોને જન્માષ્ટમીનો ભોજન પ્રસાદ ઘેર બેઠા પહોંચાડવાનો છે. ધારાસભ્ય પંકજભાઈ અને કલેક્ટર આ પ્રસાદ પુરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. રાત્રિના ૧૧:૩૦ કલાકે બ્રહ્મચારી હરીસ્વરૂપાનંદજીએ ઠાકોરજીનું વિશેષ પૂજન કર્યું હતું. ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ કલાકે ઠાકોરજીને રજનીગંધાના ફૂલોથી શણગારાયેલ પારણામાં ઝુલાવી જન્મોત્સવની આરતી ઉતારી હતી.આરતી બાદ મંદિર પરિસરમાં લાલાના જન્મદિનના વધામણા રૂપે ૧૦૦૦ કીલો ચોકલેટની ઉછામણી કરવામાં આવી હતી, જ્યારે ૨૫૧ કીલો કેસર પેંડા તથા ૨૫૧ કીલો થી વધુ પંચાજીરીના પ્રસાદનું હરિભક્તોમાં વિતરણ કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ પંચાજીરી તથા પેંડા નો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામ વલ્લભસ્વામી અને યુવાન સ્વયં સેવકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.

Reporter: admin

Related Post