આઈઆઈટી સહિતની જાણીતી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી જેઈઈ મેઈન પરીક્ષાના બીજા એટેમ્પનુ પરિણામ બુધવારે મોડી રાતે જાહેર થયુ છે. વડોદરામાંથી ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-200 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યુ છે.વડોદરાના કાર્તિક બસંતે 99.99 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 71મો ક્રમે મેળવ્યો છે. ગણિત વિષયમાં તેણે 100માંથી 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. પહેલા પ્રયાસમાં પણ તેના 99.99 પર્સેન્ટાઈલ આવ્યા હતા. કાર્તિકે કહ્યુ હતુ કે, અત્યારે તો હું જેઈઈ એડવાન્સની તૈયારી કરી રહ્યો છું. આ માટે મોક ટેસ્ટ આપવા બહુ જરૂરી છે. વેકેશનનોભોગ આપવો પડયો છે પણ કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કશુંક તો જતુ કરવુ પડે છે. અભ્યાસ દરમિયાન હું 30 મિનિટનો બ્રેક લઈને ગાર્ડનમાં ચાલવાનુ તથા મિત્રો સાથે સોશિયલ મીડિયા પર નહીં પણ તેમને મળીને વાત કરવાનુ પસંદ કરુ છું. મારું માનવુ છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ પર તમારુ પોતાનુ નિયંત્રણ હોવુ જોઈએ. જો તે આદત બની જાય તો કેરિયરને નુકસાન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાર્તિક બસંત પોતાની પાછળ પોતાની માતા સુલોચનાબેનનુ નામ લખાવે છે. તેનુ માનવુ છે કે, બાળકોના ઘડતરમાં માતાનો બહુ મોટો ફાળો હોય છે.
Reporter: News Plus