કોર્પોરેશનના મહત્વના હોદ્દા પરથી રાજીનામુ નહીં આપે તો એમની હકાલપટ્ટી પણ થઈ શકે છે
વડોદરા કોર્પોરેશનના એક હોદ્દેદાર રાજીનામુ આપવાની ફિરાકમાં ?
હોદ્દેદારનાં કેટલાક નિર્ણયોથી પાર્ટીની છબીને નુકસાન અને મતદારોમાં નારાજગી ઉભી થઈ છે
ચુંટણીના પડઘમ વાગે એટલે રાજકીય કાવાદાવા અને પોલિટિકલ એન્કાઉન્ટરની સિઝન પુરબહારમાં ખીલી ઉઠે..!! વડોદરામાં પણ આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલનો દોર આવવાનો છે કારણ કે, દિવાળીની આસપાસ વડોદરા કોર્પોરેશનની ચુંટણી યોજાય તેવી સંભાવના છે. સ્વાભાવિક છે કે, કોર્પોરેશનની ચુંટણી નજીક હોય એટલે ટિકિટવાંચ્છુઓનું કિડિયારું ઉભરાય અને કહેવાતા અઠંગ રાજકારણીઓનો એકડો પણ નીકળી જાય. ખેર, વડોદરા કોર્પોરેશનની ચુંટણીને હવે ગણતરીનાં મહિના બાકી રહ્યા છે ત્યારે કોર્પોરેશનમાં ઉત્તેજના વધી ગઈ છે. સામાન્ય રીતે કોર્પોરેશનમાં પાંચ હોદ્દા મહત્વના ગણાય છે. કાઉન્સિલરની ચુંટણી જીત્યા પછી બધાને આ પાંચ હોદ્દામાંથી એકાદ પર સ્થાન મળે મહત્વકાંક્ષા બધાની હોય છે. આ પાંચ હોદ્દામાં મેયર, ડે.મેયર, ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા જેવા હોદ્દાઓનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે હોદ્દો મોટો હોય તો જવાબદારી પણ મોટી જ હોય. એટલે કોર્પોરેશનમાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કર્યા પછી રાજનેતાની જવાબદારી પણ વધી જતી હોય છે. પણ જો કોઈ હોદ્દેદાર ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થયા પછી પણ બાલિશ વર્તન કરે તો કેવું લાગે ? સ્વાભાવિક છે કે, પાર્ટીની છબી ખરાબ થાય અને મતદારોમાં નારાજગી ઉભી થાય. માટે કોઈપણ રાજકીય પક્ષ કોર્પોરેશનનાં મહત્વના હોદ્દા પર ઠરેલ, સમજુ, અનુભવી, શાંત અને મુત્સદ્દી વ્યક્તિને જ બેસાડે. જે પ્રજાલક્ષી કાર્યો કરીને લોકોના દિલ જીતે અને તેમના કાર્યોનાં આધારે ચુંટણીમાં પણ પક્ષને જીત હાંસલ થાય.
ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો કોર્પોરેશનમાં એમનાં જ એક હોદ્દેદાર જેમનાં ઉપર ભ્રષ્ટાચારનાં આરોપો છે, ખુબ જ ટૂંકા સમયગાળામાં રાજીનામુ આપે છે તેવી સંભાવના છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ હોદ્દેદાર જો જાતે રાજીનામુ નહીં આપે તો એમની પાસેથી રાજીનામુ લખાવી લેવામાં આવે તેવી પણ સંભાવના છે. ટૂંકમાં ચુંટણી પહેલા શાસક પક્ષ કેટલાક આકરા નિર્ણય લેશે અને એમાં પહેલું આકરું પગલુ આવા હોદ્દેદારને હટાવવાનું રહેશે. હકીકતમાં આ વિવાદાસ્પદ હોદ્દેદારે કેટલાક નિવેદનો અને કેટલાક નિર્ણયો એવા લીધા છે જે કોઈને ગમ્યાં નથી. પાર્ટી લાઈનથી હટીને લેવાયેલા આવા નિર્ણયોથી પ્રજામાં નારાજગી જોવા મળી હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ કોર્પોરેશનના આ હોદ્દેદારે પોતાની કારકિર્દી દરમિયાન કેટલાક એવા કરતૂતો પણ કર્યા છે કે જેનાથી ઘણા આરોપો પણ લાગ્યા હોય અને એની સામે ઈન્કવાયરી પણ કરવી પડે તેવો ઘાટ સર્જાયો હોય. અન્ય નેતાઓએ પણ પ્રદેશ કક્ષાએ તેમની સામે ખાનગીમાં ફરિયાદ કરી છે. સામાન્ય રીતે ચુંટણી આવે ત્યારે ભાજપ એકાદ મોટામાથાને હટાવી દેવામાં આવતો હોય છે. ભૂતકાળમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા જ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ અચાનક રાજીનામુ આપીને આખાય રાજ્યને ચોંકાવી દીધું હતુ. તેવી જ રીતે વડોદરા કોર્પોરેશનના પણ એક હોદ્દેદાર પણ ચુંટણી પહેલા જ રાજીનામુ આપે તેવી શક્યતા જોવાઈ રહી છે. વડોદરા કોર્પોરેશનમાં આ હોદ્દેદારના રાજીનામાની જબરદસ્ત ચર્ચા છે. ચર્ચા તો એવી પણ છે કે, જો આ હોદ્દેદાર રાજીનામુ નહીં આપે તો એમની હકાલપટ્ટી પણ થઈ શકે છે. હવે સવાલ એ છે કે, આ હોદ્દેદાર પોતાના પદ ઉપરથી જાતે હટી જશે કે, પછી એમને હટાવવામાં આવશે ? ભાજપના કાર્યકરોમાં પણ ગણગણાટ છે કે, ચુંટણી પહેલા કોર્પોરેશનના હોદ્દેદારોમાં ઉલટફેર થવાની શક્યતા છે.
Reporter: admin







