ગુજરાતમાં અને દેશમાં મહિલા મતદારો બહુધા ભાજપને મત આપે છે.તો પણ એવું લાગે છે કે વિકાસનું રોલ મોડેલ ગણાતા ગુજરાતની સરકારને બહેનો પ્રત્યે ઝાઝી મમતા નથી.
કારણ એવું છે હમણાં મહારાષ્ટ્ર સરકારે અંદાજપત્રમાં રૂ.૪૬ હજાર કરોડની જંગી જોગવાઇ કરી છે.આ મબલખ રૂપિયા મહારાષ્ટ્રની મહિલાઓ ને મુખ્યમંત્રી લાડકી બહેન યોજના હેઠળ માસિક રૂ.૧૫૦૦ ની સહાય આપવા માટે વાપરશે.આ યોજના હેઠળ ૨૧ થી ૬૦ વર્ષ વયજૂથની મહિલાઓ ને ઉપર પ્રમાણે માસિક સહાય અપાશે.મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં કેન્દ્રીય મંત્રી ' મામા ' શિવરાજસિંહ ચૌહાણના કાર્યકાળ થી ત્યાં લાડલી બહેના યોજના શરૂ છે.કદાચ દેશમાં પહેલીવાર મધ્ય પ્રદેશ મહિલાઓ માટે આવી યોજના જાહેર કરી તે પછી પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોએ આવી યોજનાઓ અમલમાં મૂકી છે.મહારાષ્ટ્રમાં ચુંટણી માથે છે એટલે આ યોજના આવી છે.સવાલ એ છે કે શું ગુજરાત સરકાર મહિલાઓ માટે આવી કોઈ યોજના જાહેર કરવાનું વિચારે છે ખરી? કે ગુજરાતના મુખ્યમંત્રી ને વ્હાલી બહેન જેવી કોઈ યોજના શરૂ કરવાનો વિચાર આવતો નથી? બીજું કે જો વ્હાલી બહેનને વીર પસલી જેવી કોઈ યોજના શરૂ કરવાનો મંગળ વિચાર ગુજરાત સરકારને આવે તો તેમાં માત્ર બી.પી. એલ.માટે એવી કોઈ મર્યાદા રાખ્યા વગર તમામ બહેનોને અથવા ઓછામાં ઓછું પરિવારની વાર્ષિક આવક રૂ.૧૦ લાખ સુધીની હોય એવી મહિલાઓને વ્હાલી બહેન ગણવાની જરૂર છે.કારણ કે મધ્યમ વર્ગની બહેનો મોંઘવારીમાં જે રીતે તૂટી તૂટી ને ઘર ચલાવે છે એ માટે એમને વીર નારી ચંદ્રક ભલે ના આપો પણ એમના પર્સમાં રૂ.૧૫૦૦ મુકો તો પણ એમને હાશ થશે અને દિલથી દુઆ આપશે.અને ગુજરાતમાં તો ડબલ એન્જિન સરકાર છે.એટલે એકસરખું શાશન ધરાવતા રાજ્યો જો આવી કોઈ કલ્યાણ યોજના જાહેર કરે તો ચુંટણી પ્રચાર દરમિયાન કોઇ રેવડી વહેંચવા ની ટીકા પણ નહિ કરી શકે.કારણ કે વિપક્ષી સરકારો લોકોને કોઈ લાભો આપે તો એ રેવડી ગણાય એવો વણ લખ્યો નિયમ છે.મહારાષ્ટ્ર સરકારે તો વર્ષમાં ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરી નાખી છે.સાંભળ્યું છે કે રાજસ્થાન સરકાર રૂ.૪૦૦ માં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાત સરકાર કોની રાહ જુવે છે?
અને જો ચૂંટણીની રાહ જોવામાં આવી રહી હોય તો ચોમાસા પછી પંચાયત ચુંટણીઓ યોજવાની જ છે.તે સમયે કદાચ લોકોને ગેમ ઝોનના હુતાત્મા યાદ આવી જાય અને ગુસ્સામાં કોઈ ખોટી ચાંપ દબાવી દે તો સરકાર નાહકની બદનામ થાય.અને લાગણીશીલ બહેનો આવી ન કરવાની ભૂલ કરી બેસે એ શક્ય છે.એટલે પાણી પહેલા પાળ બાંધવા રક્ષાબંધન થી આવી યોજના શરૂ કરવાનું શુભમુહુર્ત કાઢવા યોગ્ય લાગે છે.ગુજરાતમાં કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી નું લોકગીત ખૂબ પસંદ કરવામાં આવે છે.તે સાંભળીને આંખ ભીની થઇ જાય છે.ત્યારે મુખ્યમંત્રીને બહેનો લાડકી..અને પર્સમાં મૂકે રૂ.૧૫૦૦ જેવા કોઈ નવા લોકગીતની રચનાનો શબ્દ સર્જકો ને મોકો આપવો યોગ્ય ગણાશે.આમ તો યોગી સરકારે જૂની પેન્શન યોજના બહાલ કરી છે.ગુજરાત સરકાર તેમના કર્મયોગીઓ માટે આવું કોઈ કલ્યાણકારી કદમ લઈ શકે છે.અરે! ૫ વર્ષની ફિક્સ પગારની નોકરીની મુદત બે વર્ષ કરીને, સરકારી નોકરીમાં જોડાયા પછી પણ લગ્ન કરીએ તો ઘર કેમનું ચાલશે? ની મૂંઝવણમાં થી યુવાનોને ઉગારી શકે છે.ભારત સરકાર ૭૦ અને તેથી ઉપરના તમામ વડીલોનો આયુષ્માન યોજનામાં સમાવેશ કરવાની છે.જો કે માંદગી માણસ ૭૦ નો થાય એની રાહ જોતી નથી. જો ૬૦ વર્ષ સિનિયર સિટીઝન ની વય મર્યાદા હોય તો આ લાભ ૬૦ વર્ષથી જ આપવો જોઈએ.જો કે ભારત સરકાર ભલે એટલે ઉદાર ના થઈ પણ દાદા ની ગુજરાત સરકાર દાદા - દાદી પર વહાલ વરસાવી શકે. એ માટે ગુજરાતમાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને અમર્યાદિત નહિ તો વાર્ષિક રૂ બે લાખ સુધીની સારવાર મફત આપતી યોજના જાહેર કરી શકે.કહ્યું છે ને કે મન હોય તો માળવે અને માંડવે જવાય.તો ગુજરાત સરકારે ખાલી મન બનાવવાનું છે.બાકી પંચાયત ચુંટણીનો માંડવો તો બાંધવાનો જ છે.તો પછી શુભ કામમાં વિલંબ કેવો..?
Reporter: News Plus