ગુજરાતમાં મોટી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બની, આ માનવ સર્જિત દુર્ઘટના છે: ઇસુદાન ગઢવી
AAP પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યું
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકારના ભ્રષ્ટાચારના કારણે અનેક લોકોના મોત થયા છે: ઇસુદાન ગઢવી
ગંભીરા બ્રિજના બે ટુકડા થયા, 2 લોકોના મોત થયા : ઇસુદાન ગઢવી
મૃતકો માટે ઇસુદાન ગઢવીએ દુઃખ વ્યક્ત કર્યું
મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 4 વાહનો પડ્યા, 3 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું : ઇસુદાન ગઢવી
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટ્યો : ઇસુદાન ગઢવી
સ્થાનિક લોકો દ્વારા બ્રિજનું સમારકામ કરવાનું અને નવું બનાવવાની માંગ કરવામાં આવી હતી છતાં પણ તંત્ર નિષ્ફળ ગયું : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે. સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતની જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા ખાતે આવેલો ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો છે અને આ ઘટનાના કારણે બ્રિજ પરથી પસાર થતા ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા છે. હાલના સમાચાર પ્રમાણે બે લોકોના મોત થયા છે અને ત્રણ લોકોને રેસ્ક્યુ કરાયા છે. મૃતકોની આત્માને ભગવાન શાંતિ આપે અને ઘાયલો તુરંત સ્વસ્થ થાય તેવી મારી પ્રાર્થના છે. પરંતુ આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું કે ટેક્સ જનતા ભરે છે અને આ ટેક્સ એટલા માટે ભરવામાં આવે છે કે તમે જનતાને સુરક્ષા આપો અને વ્યવસ્થા આપો. તો આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવે છે તે નાણા તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાવ છો. અને ટેક્સના આટલા રૂપિયા આપ્યા બાદ પણ જનતા મરી રહી છે.
જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? આજે ગુજરાતમાં બ્રિજની ઉપરથી નીકળવું કે નીચેથી નીકળવું એ વિચારીને પણ લોકોને અસલામતી મહેસુસ થઈ રહી છે. ભાજપે આ કેવું ગુજરાત બનાવ્યું છે? બ્રિજના બ્રિજ તૂટી જાય અને એ પણ બ્રિજના બે ટુકડા થઈ જાય એ રીતની ઘટનાઓ ઘટી રહી છે. એક તો ભ્રષ્ટાચાર કર્યા અને બ્રિજ જર્જરીત બન્યો અને જો બ્રિજ ખરાબ હતો અને જર્જરીત બન્યો હતો તો એ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કેમ ન કરાવ્યો? આજે આવા તમામ સવાલો સરકારની સામે ઊભા થઈ રહ્યા છે. અમે આ મુદ્દા પર નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં કોઈ પણ નાગરિકની આ રીતે મોત ન થાય તેની તકેદારી રાખવાની અમે માંગ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રીને અમે કહેવા માંગીએ છીએ કે માત્ર ભોળપણથી રાજ્ય નથી ચાલતું અને જો તમે આ રાજ્ય ચલાવવા માટે સક્ષમ ન હોવ તો તમે રાજીનામું આપી દો. કારણ કે લોકો તમારા રાજમાં મરી રહ્યા છે. તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આંખ આડા કાનના કારણે લોકો મરી રહ્યા છે. તમારી 168 સીટો આવી એટલે તમને એમ છે કે વિપક્ષ છે જ નહીં, વિપક્ષ વગરનું ગુજરાત બન્યું છે, એટલા માટે તમને શાંતિ મળી ગઈ છે? આમ આદમી પાર્ટીના સૈનિકો આ મુદ્દા પર આગામી સમયમાં રસ્તા પર ઉતરશે અને ન્યાયની માંગણી કરશે.
Reporter: admin







