તેલઅવીવ : ઇઝરાયેલે લેબનોન સરહદે સંખ્યાબંધ ટેન્કો અને બખ્તરબંધ વાહનાનો મોટો ખડકલો કર્યો છે. સંરક્ષણ નિષ્ણાતનું માનવું છે કે યુદ્ધવિરામની દરખાસ્તને ફગાવી ને ઇઝરાયેલ ગમે ત્યારે લેબનોન પર હુમલો કરી શકે છે.
આમ ઇઝરાયેલ ગમે ત્યારે નવાજૂની કરે તેવા એંધાણ છે. ઇઝરાયેલ હમાસની જેમ હીઝબુલ્લાહને પણ કોઈપણ ભોગે નેસ્તનાબૂદ કરવા મક્કમ છે. આતંકવાદીઓને આતંકની જ ભાષામાં જવાબ આપવાના ધ્યેય સાથે ઇઝરાયેલે ઉત્તરી ઇઝરાયેલ તથા દક્ષિણ લેબનોન સરહદે તેના શસ્ત્ર સરંજામની જમાવટ કરવા માંડી છે. તેણે તેની બટાલિયનો અને ટેન્ક બ્રિગેડને તૈયાર કરી દીધી છે. તેણે તેની રિઝર્વ બટાલિયનોને પણ એક્ટિવેટ કરી દીધી છે. નેતન્યાહુને હીઝબુલ્લાહના નાશ સિવાય કશું ખપતું નથી. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ગેલેન્ટે તો સ્પષ્ટ જણાવી દીધું છે કે તેમનો દેશ ભૂમિ આક્રમણ કરવા તૈયાર છે. ગેલેન્ટે જણાવ્યું હતું કે હીઝબુલ્લાહ અને તેના વડાઓને કોઈપણ પ્રકારની તક ન મળવી જોઈએ.
હીઝબુલ્લાહને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દો. આ પ્રસંગે ઓપરેશન ડાયરેક્ટોરેટ મેજર જનરલ ઓડેડ બાસક અને ઇન્ટેલિજન્સ પ્રમુખ મેજર જનરલ શ્લોમી બિંડેર પણ હાજર હતા. લેબનોન પર ચાલતા હુમલાની તૈયારી વચ્ચે ઇઝરાયેલે ગાઝામાં સ્કૂલ પર કરેલા હુમલામાં કમસેકમ ૧૧ના મોત થયા છે અને ૨૨ ઇજા પામ્યા છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે હમાસના આતંકવાદીઓ લોકોની વચ્ચે છૂપાયેલા હોવાથી તેણે આ હુમલા કરવા પડી રહ્યા છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે.ઘરઆંગણે અને યુદ્ધ બંને મોરચે બરોબરના ખેરાયેલા ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણઆવ્યું હતું કે ઇઝરાયેલ હીઝબુલ્લાહને ફટકા મારવાનું જારી રાખશે. ઇઝરાયેલનું ધ્યેય હીઝબુલ્લાહને હમાસની જેમ કાયમ માટે અપંગ કરી દેવાનું છે.
Reporter: admin