વડોદરા શહેરમાં વિકાસના નામે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ નાગરિકો માટે હકીકતમાં વિકાસ ‘યાતના’ સમાન સાબિત થઈ રહ્યો છે. મહાનગરપાલિકા દર વર્ષે રોડ બનાવવા, રીપેરીંગ કરવા અને નવા રસ્તાઓને આકર્ષક બનાવવા મોટા પાયે ટેન્ડર આપે છે. પણ વાસ્તવિકતા એ છે કે વરસાદની પહેલી ઝાપટ સાથે જ આ રસ્તાઓની ‘વિકાસગાથા’ ખુલ્લી પડી જાય છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં હાલ રસ્તાઓની હાલત એવી થઈ છે કે જાણે રોડ નહીં પરંતુ ‘ખાડાઓની શ્રેણી’ હોય છે.નાગરિકોનો સીધો સવાલ છે કે જો રસ્તાઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તો પછી વરસાદ પડતા જ તે કેમ તૂટી જાય છે? શહેરના અનેક વિસ્તારોમાં થોડા મહિના પહેલાં જ પેવર અને ડામરનું કામ થયું હતું, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે ડામર ધોવાઈ ગયો છે, પેવર છૂટી ગયા છે અને માર્ગોમાં મોટાં ભુવા જેવી ખાડાઓ ઊભાં થઈ ગયા છે. બાઇક સવાર માટે તો આ રસ્તાઓ મોતના ખાડા સાબિત થઈ રહ્યા છે. અકસ્માતોના કિસ્સાઓમાં વધારો થયો છે અને નાગરિકો રોજિંદા યાતનાનો ભોગ બની રહ્યા છે.

રિપેરીંગ થયેલા રસ્તાએ ફરી તંત્રની આબરૂ ધોઈ નાખી ?
તાજેતરમાં તંત્ર દ્વારા વરસાદી મોસમમાં જ રોડ રિપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા ખાડાઓ પર ડામર પાથરવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વરસાદના પાણીમાં આ કામ કેટલું ટકાઉ બની શકે એ સૌને ખબર છે. થોડા જ દિવસોમાં ફરીથી એ જ રસ્તા ખંડેર બની જાય છે. નાગરિકોનો આક્ષેપ છે કે આ કામગીરી માત્ર ‘કટકી’ ખાવા માટે કરવામાં આવે છે. એટલે કે પહેલા રસ્તા બનાવવામાંથી મલાઈ કાઢી લેવાય, બાદમાં રીપેરીંગના નામે ફરી મલાઈ ખાઈ લેવાય અને નાગરિકોનું પૈસું બગાડવામાં આવે.
ઊંહકારા નખાવી દેતા રસ્તાઓ છતાં પણ તંત્ર કે શાસકોનાં પેટનું પાણી પણ હલતું નથી
શહેરમાં રોડ કોન્ટ્રાક્ટરો અને પાલિકા વચ્ચે ભ્રષ્ટાચારનો ગોટાળો છુપાયેલો નથી. ટેન્ડર આપવામાંથી લઈને કામ પૂર્ણ કરવા સુધી લાખો રૂપિયાની કટકી લેવાઈ રહી હોવાનો આક્ષેપ નાગરિકો વારંવાર કરતા આવ્યા છે. ઘણા વિસ્તારોમાં રોડની ગેરંટી હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાતા નથી. કોન્ટ્રાક્ટરોને રાજકીય આશીર્વાદ મળ્યા હોવાથી તેઓ ખુલ્લેઆમ નિયમોના ભંગ કરે છે. પરિણામે શહેરના નાગરિકો દુઃખ ભોગવે છે.

નગરસેવકોની ભૂમિકા
શહેરના 8 થી 10 નગરસેવકો જ નાગરિકોની સમસ્યાની ગંભીર નોંધ લે છે. બાકીના નગરસેવકોને પ્રજાની હાલતની કોઈ ચિંતા નથી. લોકોએ ચૂંટણીમાં વિશ્વાસ મૂકી ચૂંટેલા પ્રતિનિધિઓ આજે તંત્ર સાથે ગૂંથાઈને માત્ર રાજકીય લાભમાં વ્યસ્ત છે. નાગરિકોનો આક્રોશ એ છે કે જો પ્રજા જ રસ્તાની દયનીય સ્થિતિ સહન કરે છે તો નગરસેવકો કયા વિકાસની વાત કરે છે?
શહેરમાં તૂટેલા રસ્તાઓના કારણે પ્રજાની ગાદી ફાટી જવી, ખસવાના કિસ્સાઓમાં તોતિંગ વધાર નોંધાયા.
શહેરના તૂટી ગયેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે અકસ્માતોમાં ભારે વધારો થયો છે. બાઇક સવાર રસ્તામાં પડેલા ખાડાઓને કારણે સંતુલન ગુમાવીને ફસાઈ જાય છે, જેના કારણે ગંભીર ઈજાઓના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે. અનેક જગ્યાએ કાર, ઓટો અને ટેમ્પો ચાલકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નાગરિકોના મતે રસ્તાઓની આ હાલત માટે સીધી જવાબદારી મહાનગરપાલિકા અને રોડ કોન્ટ્રાક્ટરો પર જાય છે.
રોડ ગેરેન્ટીવાળો પણ કોન્ટ્રાકટર સામે હપ્તા ખાઉના કારણે કોઈ પગલા લેવાતા નથી ?
વડોદરામાં રસ્તાઓની હાલત જોઈને એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે વિકાસના નામે ફક્ત નફાખોરી ચાલી રહી છે. પહેલા નવા રસ્તા બનાવવામાં આવે છે, ત્યારબાદ થોડા મહિના બાદ ખાડા ઊભા થાય છે. ખાડાઓ ભરવાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર છલકાય છે. વરસાદના પાણીથી તરત જ ખાડાઓ ફરીથી બહાર આવી જાય છે. આ ચક્રવ્યૂહમાં નાગરિકો જ પીસાઈ રહ્યા છે, જ્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટરો ફાયદો ઉઠાવી રહ્યા છે.
ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ,સ્થાનિક નાગરિકોની માંગ
શહેરના નાગરિકોએ સરકાર અને મહાનગરપાલિકા સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમની માંગ છે કે કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.રોડની ગેરંટી મુજબ નુકસાન થવા પર તરત જ નવો રસ્તો બનાવવો જોઈએ.વરસાદી મોસમ દરમિયાન પેચવર્ક કરવાની પ્રથા બંધ કરવી જોઈએ.ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓને સજા થવી જોઈએ.
રાકેશ ઠાકોર,સ્થાનિક
કટકીને લીધે રસ્તાઓના કટકે કટકા થયા પછી તેના 'સાંધા' કરવામાં પણ બેફામ 'કરપ્શન'
રસ્તાઓની હાલત જોઈને લાગે છે કે વડોદરા શહેરમાં વિકાસ નહીં પરંતુ નાગરિકોની ‘યાતના’ વધી રહી છે. સરકાર અને તંત્ર જો હવે પણ જાગશે નહીં તો નાગરિકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બનશે. વિકાસના નામે ભ્રષ્ટાચાર અને નફાખોરી હવે વધુ સહન નહીં થાય, એ સ્પષ્ટ સંદેશ જનતાએ આપ્યો છે.



Reporter: admin







