આગામી ચૂંટણી પૂર્વે ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરીને ધરપકડનો દોર શરૂ કર્યો છે. દરમિયાનમાં પ્રોહીબીશન તેમજ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પી.સી.બી. શાખાએ પાસા હેઠળ અટકાયત કરીને બંનેને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે શખ્સોની ધરપકડ શરૂ કરી છે.હાલમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા તેમજ શહેરમાં શાંતિમય વાતાવરણ બની રહે તે ઉદ્દેશ્યથી શહેર પોલીસ કમિશનના આદેશથી પી.સી.બી. શાખાએ પ્રોહીબીશનના ગુનાના આરોપી રોહન મહેશ વસાવા (રહે આશાપુરી સોસાયટી વાઘોડિયા રોડ)ની પાસા હેઠળ અટકાયત કરી છે. તાજેતરમાં નામદાર કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા પછી પણ આરોપી રોહન વસાવાએ વિદેશી દારૂનો સંગ્રહ કરવાની સાથે હેરાફેરી તેમજ વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. દારૂનો જથ્થો ગેરકાયદેસર હોય અને તેની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી તે દારૂ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય જેના સેવનથી નાગરિકોના જીવનું જોખમ રહેલું છે.
ત્યારે આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે પોલીસ કમિશનરના આદેશથી પાણીગેટ પોલીસે આરોપી રોહન વસાવાની પાસા હેઠળ અટકાયત કરીને ભાવનગરની જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે રીઢા વાહન ચોરની અગાઉના વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં આરોપી વિજય હરમાન ગોહિલનો જામીન ઉપર મુક્ત થયા બાદ આ માથાભારે શખ્સે ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને વાહન ચોરીનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. તેથી નંદેસરી પોલીસે આરોપી વિજય ગોહિલને પાસાના વોરંટની બજવણી કરી તેની પાસા હેઠળ અટકાયત કર્યા બાદ તેને ભૂજની જેલમાં મોકલી દેવાયો છે.
Reporter: News Plus