વડોદરા શહેર ફાયર બ્રિગેડમાં પનોતી બેઠી છે. અત્યાર સુધીનાં મોટાભાગના ચીફ ફાયર ઓફિસરોએ ફાયર બ્રિગેડને અવાર નવાર બદનામ કર્યું છે અને નવા ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં પણ વિવાદ થયો છે ત્યારે ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે વડોદરા ફાયર બ્રિગેડના 6 ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર અત્યારે ચાર્જમાં એટલે કે હવાલાથી ચાલી રહ્યા છે. રાણાજીના રાજમાં વડોદરા કોર્પોરેશનમાં ઉપરથી નીચે સુધી અધિકારીઓમાં હવાલા રાજ જ ચાલી રહ્યું છે અને તેમાં વડોદરા ફાયર બ્રિગેડ પણ બાકાત નથી. ફાયર બ્રિગેડમાં 6 મહિના પહેલા 5 સ્ટેશન ઓફિસરની ભરતી પણ શરુ કરવામાં આવી હતી. હજુ સુધી લાયક ઉમેદવારની પસંદગી સુદ્ધા કરાઇ નથી . વડોદરા ફાયર બ્રિગેડમાં દાંડીયા બજાર ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર કરીકે હાલ પ્રતાપ ડામોર, પાણીગેટ ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર તરીકે હિરેન ગઢવી, ઈ આર સીમાં સ્ટેશન ઓફિસર તરીકે યુવરાજ ગઢવી, ગાજરાવાડી ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર તરીકે વિનોદ મોહિતે તો વાસણા ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર તરીકે પ્રવીણ સીસોદીયા, વડીવાડી ફાયર સ્ટેશનમાં, સ્ટેશન ઓફિસર તરીકે ગણપત ઝાલૈયા ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર તરીકે ચાર્જમાં છે. જો કે સ્ટેશન ઓફિસરની ભરતી માટે 6 મહિના પહેલા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. કોર્પોરેશને 9-9-2024માં 2 સ્ટેશન ઓફિસરની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. યોગ્ય ઉમેદવારો હોવા છતાં રાણાજી દ્વારા વહાલા દવલાની નીતિને અનુસરીને યોગ્ય લાયકાત અને અનુભવવાળા ઉમેદવારોની પસંદગી પણ કરાતી નથી અને ઘણા સમયથી આ ફાયર સ્ટેશનો ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસરોથી ચાલી રહી છે. આ ફાયર સ્ટેશનોમાં જુનિયરોને સ્ટેશન ઓફિસર તરીકે ચાર્જ સોંપાયો છે જે ચોંકાવનારી બાબત છે. વડોદરા શહેરના લોકોની સુરક્ષાની જવાબદારી જેના માથે છે તેવા ફાયર સ્ટેશનોમાં જુનિયર ઓફિસર ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસરો હોય તો કામ કેવું થશે અને તેમની પાસે અપેક્ષા પણ શું રખાય તે મોટો સવાલ છે. જો સિનીયર્સને ઇન્ચાર્જ બનાવાયા હોત તો શહેરની જનતાને ફાયદો પણ થયો હોત. બીજી તરફ અગાઉ ડે.કમિશનર એચ.જે પ્રજાપતિ અને હવે કેતન જોશી એમ જ રટણ કર્યા કરે છે કે ભરતી પ્રક્રિયા પ્રોસેસમાં છે પણ ક્યારે પુરી થશે તે કોઇ કહેતું નથી. વડોદરા શહેરની જનતાની સુરક્ષા સાથે સીધુ નુકશાન કરવામાં આવી રહ્યું છે પણ કોર્પોરેશનમાં કોઇ અધિકારીની ઉંઘ ઉડતી નથી. હાઇકોર્ટ ની અંદર પી આઈ એલ - 118 ની પીટીશન ચાલે છૅ વખતો વખત વિવિધ ખંડપીઢ, ચીફ જસ્ટિસ દ્વારા કાયમી ધોરણે ફાયર બ્રિગેડ માં મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ભરતી કરવાના આદેશ આપ્યા છૅ.
સ્ટેશન ઓફિસરની 5 જગ્યા ભરવામાં પણ ઘોર બેદરકારી વડોદરા ફાયર બ્રિગેડના નવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને નિયુક્તીને 20 દિવસ કરતા વધુ સમય વીતી ગયો છે પણ તેમની પાસે યોગ્ય અનુભવ કે લાયકાત ના હોવાથી તેમને કામની કંઇ જ ખબર પડતી નથી. ફાયર બ્રિગેડમાં વખતો વખતના ઇન્ચાર્જ ડે.કમિશનરો અને ચીફ ફાયર ઓફિસરના બદઇરાદાના કારણે સ્ટેશન ઓફિસર ફાયર તરીકેની નિમણુકો જ આપવામાં આવી નથી. સ્ટેશન ઓફિસરની 5 જગ્યા હાલ ખાલી છે પણ અધિકારીઓ જુનિયરને ચાર્જ આપીને ઇન્ચાર્જ પર ચલાવી રહ્યા છે. 5 પોસ્ટ ભરવા લાયકાત ઉમેદવારની નિમણૂક કરવાની દરકાર પણ કમિશનર રાણાજી અને ડે.કમિશનરે લીધી નથી. ખાસ તો બદામડીબાગ ફાયર સ્ટેશનમાં જ સ્ટેશન ઓફિસરની નિમણુંક કરવી અનિવાર્ય છે. પણ હાલ સબ ફાયર ઓફિસરથી કામ ચલાવાઇ રહ્યું છે. સમગ્ર શહેરની સુરક્ષા સાથે રીતસર ચેડાં કરાઇ રહ્યા છે અને વડોદરા હાલ તો રામભરોસે છે.
ડે.કમિશનર અને કમિશનરે ફાયર વિભાગને ગંભીરતાથી લીધો જ નથી ભારત દેશના 100 સ્માર્ટ સીટી પૈકી વડોદરાનો પણ સ્માર્ટ સીટી મિશન હેઠળ જાહેર થયેલ છે. જો કે ઇન્ચાર્જ ડે.કમિશનર અને મ્યુનિ.કમિશનર આ વિભાગને ગંભીરતાથી જ લીધો નથી. અગાઉ પાર્થ બ્રહ્મભટ્ટને ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ચલાવી રાખ્યો હતો. તે દરમિયાન વડોદરાવાસીઓએ પૂરની પણ આફત જોઇ હતી. ફાયર બ્રિગેડમાં સીએફઓ સૌથી ઉંચી પોસ્ટ છે છતાં પણ વર્ષોથી આ પોસ્ટ પર વિવાદીત અધિકારીઓ જ ચલાવ્યે રાખ્યા છે. જેમની સામે અપ્રમાણસર મિલકતો લગતની ફરિયાદ તો મારામારીની પણ ફરિયાદ થયેલી હતી. Noc આપવામાં મશગુલ હતો, શહેરની સલામતી માટે ક્યારે પણ પરવાહ કરી નથી. વડોદરાના નેતાઓ નાની નાની વાતમાં ચંચૂપાત કરતા રહ્યા છે અને આ નેતાઓએ પાર્થ બ્રહ્મભટ્ટને કેમ ચલાવે રાખ્યો તે પણ મોટો સવાલ છે. પોલીસ ફરિયાદ થયા બાદ તેને સસ્પેન્ડ કરવો પડ્યો હતો.
ફાયર વિભાગ એટલે હું, બાવો અને મંગળદાસથી ચાલતો વિભાગ વડોદરા કોર્પોરેશનમાં ઉપરથી નીચે સુધી તમામ પોસ્ટ ઇન્ચાર્જથી ચાલતી આવી છે. એ જગ જાહેર છે કે હવાલા ના અધિકારી કે ઇન્ચાર્જ અધિકારી ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોય છે. તેઓ લાયક ના હોવા છતાં તેમને ઉપરી અધિકારી તરીકે વધારાનો ચાર્જ અપાતો હોય છે. કોર્પોરેશનના વખતો વખતનાં ડે.મ્યુ.કમિશનરોએ ફાયર વિભાગમાં ભરતી માટે ચિંતા જ કરી નથી તે સ્પષ્ટ દેખાય છે. 2017માં તત્કાલિન ગોલ્ડમેન કમિશનર ડો.વિનોદ રાવને શું શુરાતન ચડયું અને તેમણે દાંડીયાબજાર સ્થિત ફાયર બ્રિગેડનું બિલ્ડીંગ જ તોડી પાડ્યું હતું. આ બિલ્ડીંગમાં ઉપરના માળે ફાયર વિભાગનો સ્ટાફ પણ રહેતો હતો.ચીફ ફાયર ઓફિસર માટેનો રહેણાંક માટે ફ્લેટ પણ હતો.વિનોદ રાવને જાણે શું સપનુ આવ્યું કે તેમણે બિલ્ડીંગ જ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ ઐતિહાસીક બિલ્ડીંગ તોડતી વખતે જે તે સમયના નેતાઓ કે હોદ્દેદારોએ કોઇ જ વાંધો લીધો ન હતો. અને 2017થી 2025 સુધી ફાયરના તમામ વાહનો વરસાદ અને તડકામાં સડતા રહ્યા હતા.જુનાં છાપરામાં ફાયર સ્ટેશન ચાલતું રહ્યું. ડે કમિશનર, કમિશનર અને સીએફઓ બધા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હતા. ઇન્ચાર્જ સીએફઓ પોતાના વ્યક્તિગત આર્થિક ઉપાર્જન માટે સીસીસી બિલ્ડિગમાં,આર્ટ ગેલેરીને માટે ફાળવેલી જગ્યામાં અલાયદી ઓફિસ ખોલીને બેસી ગયા હતા.જ્યાં કેટલાક ઉપરી અધિકારીઓ,નેતાઓ ભાગબટાઈ માટે આવતા.ત્યાં વિવિધ પ્રકારની આગતા-સ્વાગતા થતી.ત્યારબાદ હાઇકોર્ટના આદેશને પગલે સ્કૂલો અને કોચીંગ ક્લાસોમાં ફાયર એનઓસી અપાતી હતી. તથા કોરોના વખતના અભિયાનો બાદ હોદ્દેદારો એ ભૂલી ગયા કે સીએફઓ , સ્ટેશન ઓફિસર હવાલાથી ચાલતા હતા. ફાયર એનઓસીના નામે આખું વર્ષ કરોડોનો વેપલો થતો આવ્યો છે. એમ જ કહી શકાય કે ફાયર વિભાગ એટલે હું, બાવો અને મંગળદાસથી ચાલતો વિભાગ.
Reporter: admin