News Portal...

Breaking News :

રુપિયા વસૂલવા માટે સારસાના યુવકનું અપહરણ બાદ છાણીની ઓફિસમાં ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો

2025-03-06 09:43:09
રુપિયા વસૂલવા માટે સારસાના યુવકનું અપહરણ બાદ છાણીની ઓફિસમાં ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો


વડોદરાઃ ભાડે આપેલી કારના ૫૪ હજાર રુપિયા વસૂલવા માટે સારસાના યુવકનું અપહરણ કર્યા બાદ છાણીની ઓફિસમાં ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર ટ્રાવેલ એજન્ટ અને તેના ડ્રાઇવર સહિત ત્રણ હુમલાખોરોને ફતેગંજ પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે જયદિપ અને તેનો સાગરીત ફરાર છે.


ગોરવાની જેસલ સોસાયટીમાં રહેતા આશિષ સુથારે પોલીસને કહ્યું છે કે, સારસા ગામે સુથાર પોળમાં રહેતા મારા કઝીન પાર્થ ઉર્ફે રવિ દિપકભાઇ સુથાર(૨૭ વર્ષ) રણોલીની એબીસી કંપનીમાં નોકરી કરતો હતો તા.૩જીએ રાતે ગોરવામાં રહેતા મારા  પરિચિત જયદીપ સોલંકીનો મારા પર ફોન આવ્યો હતો અને મળવા  બોલાવ્યો હતો.હું ત્યાં ગયો ત્યારે જયદીપની સાથે વિશ્વજીત વાઘેલા પણ આવ્યો હતો.વિશ્વજીતે મને કહ્યું હતું કે તારા ભાઇ પાર્થે મારી કાર અરવલ્લીમાં વેચી દીધી છે. તેનું ભાડું પણ આપતો નથી. જેથી હું તેને જોઇ લઇશ. તેણે મારા ભાઇ પાર્થને ફોન કર્યો હતો પરંતુ પાર્થે ફોન લીધો ન હતો. ત્યારબાદ મેં કરતાં મારો પણ ફોન લીધો ન હતો. થોડીવાર  બાદ પાર્થનો ફોન આવતાં વિશ્વજીતે તેને કહ્યું હતું કે,જો તું પૈસા નહિ આપે તો તારા ભાઇને છોડવાનો નથી.જેથી  પાર્થે બીજા દિવસે મળવાનું કહેતાં મને જવા દીધો હતો.આશિષે કહ્યું હતું કે,બીજા દિવસે તા.૪થી એ સવારે પાર્થનો ફોન આવ્યો હતો અને છાણીમાં ફોર્ચ્યુન ગેટ વે સામે વિશ્વજીતની ઇન્ફિનિટિ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં મળવા જાઉં છું તેમ કહ્યું હતું.


ત્યાર પછી તેનો સંપર્ક થયો નહતો.સાંજે વિશ્વજીતે મને ફોન કરી તારા ભાઇને એસએસજીમાં દાખલ કર્યો છે તેમ કહેતાં હું પહોંચ્યો ત્યારે તેના મૃતદેહ પાસે કોઇ નહતું અને આખા શરીરે ઇજાઓ હતી.આરોપીઓએ ત્રણ થી ચાર કલાક સુધી પટ્ટા,લાકડી અને મુક્કાથી માર મારીને હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.ટ્રાવેલ એજન્ટ વિશ્વજીતની કાર ભાડે લીધા બાદ પાર્થે વેચી દીધી હોવાથી તેના રૃપિયા માટે વિશ્વજીત ઊઘરાણી કરતો હોવાની માહિતી પોલીસને મળી છે.ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ કહ્યું હતું કે,પાર્થને રોજના રૃ.૩હજાર ભાડેથી વિશ્વજીતે પોતાની સ્વિફ્ટ કાર આપી હોવાની માહિતી મળી છે.જેનું ૧૮ દિવસનું  ભાડું તે માંગતો હતો.આ ઉપરાંત પાર્થે આ કાર અરવલ્લીમાં રૃ.૨લાખમાં વેચી દીધી હોવાની પણ માહિતી મળી હતી.જો કે,હાલમાં આ કાર  વિશ્વજીત પાસે છે.જેથી મરનારે કાર વેચી છે કે કેમ, તેની સામેના આક્ષેપમાં તથ્ય કેટલું છે જેવી  બાબતોની તપાસ કરવા પોલીસ અરવલ્લી પણ જનાર છે.

Reporter: admin

Related Post